56 ધાર્મિક દબાણો રીલોકેટ અને 25 નિયમિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જાહેર સ્થળો, માર્ગ પરના ધાર્મિક દબાણો દૂર કરવાના મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેને હાઈકોર્ટે રેકર્ડ પર લેતાં નોંધ્યું હતું કે, ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જમીની હકીકતને ધ્યાનમાં લઈ તેમને દૂર કરવામાં આવ્યા છે. 11-9- 24 થી 20-11-24 માં બે મહિનામાં 261 ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 236 જિલ્લા અને 25 કોર્પોરેશન વિસ્તારમાંથી દૂર કરાયા છે. 56ને રિલોકેટ કરાયા છે અને 25 ધાર્મિક દબાણને નિયમિત કરાયા છે.
- Advertisement -
મોટાભાગના દબાણો જાહેર સ્થળો, માર્ગ અને બગીચાઓની જગ્યાએથી દૂર કરાયા છે. હાઈકોર્ટે ગૃહ વિભાગના સચિવને આગામી મુદતે સોગંદનામું કરવા અને આ મામલે પ્રગતિ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આદેશ કર્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં રાખવામાં આવી છે.
રાજ્ય દ્વારા કરવામાં આવેલી પ્રગતિની નોંધ લીધા પછી હાઈકોર્ટે રાજ્યને આ સંદર્ભમાં વધુ પ્રગતિ કરવા માટે વધુ બે મહિનાનો સમય આપ્યો છે. અગાઉ હાઈકોર્ટે 22મી એપ્રિલે રાજ્ય સરકારને જાહેર જમીનો પરના અનધિકૃત બાંધકામોને દૂર કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશના પાલનમાં કોઈ પગલાં કેમ લેવામાં આવ્યાં નથી.
તે સ્પષ્ટ કરવા માટેની તાકીદ કરી હતી. 22મી જુલાઈના રોજ, હાઈકોર્ટે રાજ્ય સરકારને અનધિકૃત ધાર્મિક બાંધકામો અને અતિક્રમણને દૂર કરવા અને નિયમિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા તેના નિર્દેશોનું પાલન કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો. ત્યારબાદ, ગૃહ વિભાગના રાજ્ય સચિવે એક સોગંદનામું દાખલ કર્યું હતું અને એમાં અનધિકૃત ધાર્મિક માળખાઓની ઓળખ માટે લેવામાં આવેલા પગલાં અને તબક્કાવાર રીતે આવા બાંધકામોને દૂર કરવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી રેકોર્ડ પર મૂકવામાં આવી હતી.
સરકાર તરફથી હાઈકોર્ટને અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, વાસ્તવિક જમીની વાસ્તવિકતા, આવા બાંધકામોને કારણે થતી જાહેર અવરોધની તીવ્રતા અને આવા અનધિકૃત ધાર્મિક માળખાઓ દ્વારા આવરી લેવામાં આવેલ વિસ્તારના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે અગાઉ હાઈકોર્ટે જિલ્લા અને મનપા વિસ્તારોમાં કેટલા ધાર્મિક દબાણો છે, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ તમામની વિગતો માગી હતી.