રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 26 દરખાસ્ત મંજૂર, એક પેન્ડિંગ અને એક પરત
વોર્ડ નં-8માં રાજનગરમાં અને વોર્ડ નં-9માં પાટીદાર ચોકથી ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પેવીંગ બ્લોક નખાશે
- Advertisement -
અમીન માર્ગ કોર્નરથી કેકેવી હોલ સુધી 23.74 લાખના સ્ટોર્મ વોટર પાઈપ લાઈન નખાશે
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વન્ય પ્રાણીઓ માટે આઈસોલેશન વોર્ડ બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીનભાઈ ઠાકરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કુલ 26 દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જ્યારે અન્ય એક પરત અને પેન્ડિંગ રખાઈ છે. કુલ 10,30,53,298ના કામોને બહાલી અપાઈ હતી. ગત મીટીંગમાં પેન્ડીંગ રહેલી દરખાસ્તો ઉપરાંત આ વખતના એજન્ડામાં સાંઢીયા પુલની જગ્યાએ નવા ફલાયઓવર બ્રીજના કામ પેટે રેલવેમાં ભરવાના 1.39 કરોડની રકમ જમા કરાવવા પ્રસ્તાવ આવ્યો છે. જેને મંજૂર કરાઈ છે.
વોર્ડ નં.7ના ડો.યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્ષ બહારનો સ્લેબ તુટી પડવાની દુર્ઘટના બાદ હવે ચોકથી આ સ્લેબ સુધીનો ભાગ તોડીને નવો રોડ બનાવવા નિર્ણય લેવાયો છે. જે માટે અમદાવાદના કસાડ ક્ધસ.ની નિમણુંક સાથે એસ્ટીમેટ, ડિઝાઇન તૈયાર કરવાની છે. આ કામગીરીનો રીપોર્ટ તૈયાર કરાવવા સ્થાયી સમિતિની મંજૂરી માંગવામાં આવી છે. વોર્ડ નં-10માં ગુંજન પાર્ક મેઈન રોડ પર વરસાદી પાણીની પાઈપ ગટર નાખવા માટે 42.92 લાખ, વોર્ડ નં-9માં પાટીદાર ચોકથી ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર 36.20 લાખના પેવીંગ બ્લોક નખાશે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં વન્ય પ્રાણીઓ માટે આઈસોલેશન વોર્ડ બનાવાશે જેના માટે 28.03 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં-8માં રાજનગરમાં 32.60 લાખના જનભાગીદારી યોજના અંતર્ગત પેવીંગ બ્લોક નખાશે. વોર્ડ નં-8માં નાલંદા સોસાયટી શેરી નં-2માં અમીન માર્ગ કોર્નરથી કેકેવી હોલ સુધી 23.74 લાખના સ્ટોર્મ વોટર પાઈપ લાઈન નખાશે.
વોર્ડ નં-6માં ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં રીટેઈનીંગ વોલ, કમ્પાઉન્ડ વોલ માટે 2.99 કરોડ મંજૂર થયા છે. વોર્ડ નં-3માં રેલનગર ઈએસઆરથી સાધુ વાસવાણી કુંજ રોડ સુધી રોડની બન્ને બાજુ 75.13 લાખના ખર્ચે ફૂટપાથ કરાશે. ડ્રેનેજ શાખા હસ્તક બેડીનાકા સી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનનું ઓગમેન્ટેશનના કામ માટે 2.92 કરોડ ખર્ચાશે. ધારાસભ્યોની 2021-22ની ગ્રાન્ટમાંથી કામો કરવા, દબાણ હટાવ ઇન્સ.ની જગ્યાની મુદત લંબાવવા, જુદા જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોક, પાઇપ ગટર, કમ્પાઉન્ડ વોલ, ઝુમાં આઇસોલેશન વોર્ડ, ફૂટપાથ, મેડીકલ સહાયની દરખાસ્ત આવી છે. મહાપાલિકા હસ્તકના જુદા જુદા પ્રોજેકટ માટે માર્ગ-મકાન વિભાગના ઠરાવ મુજબ કોન્ટ્રાકટરોને ભાવ વધારા સામે રાહત આપવા કમિશ્ર્નરે સમિતિમાં દરખાસ્ત મોકલી છે.
તો મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ 2023-24 માટે મળવા પાત્ર વધારાની ગ્રાન્ટ અંગે દરખાસ્ત મોકલવાનો પ્રસ્તાવ મુક્યો હતો જે મંજૂર થયો છે.
- Advertisement -
સ્ટિકર અને તિરંગા પટ્ટીના ખર્ચની ખરીદીની દરખાસ્ત પરત
હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઝંડા સાથેની સ્ટીકના શંકાસ્પદ ખર્ચની દરખાસ્તને નામંજૂર કરીને પરત કરી દેવામાં આવી છે. તિરંગા પટ્ટી વસંત એન્ડ કંપનીએ આપી હતી. જયારે લાકડી રીયલ ગ્રાફીક, ક્રિષ્ના ટીમ્બર અને જય એજન્સીએ પૂરી પાડી હતી. સાડા ત્રણ ફુટની આ લાકડીનો ભાવ ઉંચો દેખાઇ રહ્યો છે. જે નામંજૂર કરીને પરત મોકલી દેવાઈ છે.
પેન્ડિંગ દરખાસ્ત ફરી પેન્ડિંગ જ રહી!
કાલાવડ રોડ પર મોટા મવાથી ન્યારી ડેમ ખુણા સુધીના 30 મીટરના રોડને 45 મીટર (150 ફુટ)નો કરવા ત્રણ વખતથી પેન્ડીંગ રહેતી ફરી પેન્ડિંગ રહી છે. કપાત બદલામાં જમીનની પ્રક્રિયા ફાઇનલ થઇ છે છતાં કેટલાક ફેરફાર માટે રાજકીય અને બિલ્ડીર લોબીના દબાણની ચર્ચા છે.