રાજકોટ શહેરમાં નાના બાળકોમાં ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું : સરવેમાં ચોંકાવનારો ખુલાસો
138ને હૃદયરોગ, 38 બાળકોને કિડની સંબંધિત બીમારી, 1583 બાળકોમાં ડેંગ્યુ સહિતનાં લક્ષણો જોવા મળ્યા
- Advertisement -
1 જાન્યુઆરીથી 31 જૂલાઈ સુધીમાં કુલ 1.90 લાખ બાળકોના આરોગ્યની તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપાના આરોગ્ય શાખાના આર.સી.એચ.ઓ (બાળરોગના નિષ્ણાત) ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે 1 જાન્યુઆરીથી 31 જૂલાઈ સુધીમાં શહેરની તમામ આંગણવાડીઓ તેમજ મહાપાલિકા હસ્તકની સ્કૂલ ઉપરાંત અન્ય સ્કૂલના મળી કુલ 1.90 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જેમાં 26 બાળકોને લોહી, હાડકા, જડબાનું કેન્સર હોવા તેમજ ટ્યુમર હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાળકોની હવે મહાપાલિકા દ્વારા સારવાર કરવામાં આવશે. બાળકોને આરોગ્ય કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે જેના હેઠળ તેઓ રાજકોટ અથવા અમદાવાદ અને જરૂર પડે તો ગુજરાત બહાર પણ સારવાર કરાવવામાં આવશે અને તેમનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
- Advertisement -
આ ઉપરાંત સ્ક્રીનિંગ કરાયેલા બાળકોમાંથી 138ને હૃદયરોગ હોવાનું પણ સામે આવ્યું છે જેમાં અમુક બાળકને હૃદયમાં કાણું ઉપરાંત શ્વાસ ચડવા સહિતનાં લક્ષણો સાથે બીમારી જોવા મળતાં તેમની પણ આરોગ્ય કાર્ડ થકી સારવાર કરાવવામાં આવશે. આ જ રીતે 38 બાળકોને કિડની સંબંધિત બીમારી તો 12 બાળકોને અન્ય પ્રકારની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. જ્યારે સાત બાળકોને કાન-નાક-ગળામાં તકલીફ હોવાથી તેમને કોકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર કરાવવી પડશે. આ જ રીતે 1583 બાળકોને ડેંગ્યુ સહિતનાં લક્ષણો જણાતાં તાત્કાલિક સુપર સ્પેશ્યાલિટી સારવાર આપવામાં આવી હતી.



