દાગીનાનું લેણું સોનું માંગવા જતાં મારી નાખવાની ધમકી આપી; એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
શહેરની સોની બજારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરતા વેપારી સાથે વેપારીએ જ વિશ્વાસઘાત કરી 26.78 લાખની છેતરપિંડી આચરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના વાણિયાવાડીમાં સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘરે બેસીને મજૂરીથી સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરતા ચેતનભાઇ અરવિંદભાઇ ઝીંઝુવાડિયા નામના વેપારીએ પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને સોની બજાર, માંડવી ચોક પાસે પલ્લવ પ્લાઝામાં માનસી ગોલ્ડના નામની ઓફિસ ધરાવતા પ્રવીણ રવજી અકબરી નામના વેપારી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નવ માસ પૂર્વે પુત્રના મિત્રે પ્રવીણ અકબરીનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં તેની ઓફિસે જઇ વાતચીત કરતા તે ગ્રાહકના ઓર્ડર લઇ બહાર સોનાના ઘરેણાં બનાવડાવું છું. ઘરેણાં બનાવી પરત કરનાર સોનીને પોતે ફાઇન ગોલ્ડ આપતા હોવાની વાત કરી હતી.
આ વાતથી સંમત થઇ તેની સાથે ધંધાકીય વ્યવહાર શરૂ કર્યો હતો. પ્રવીણ અકબરી ઘરેણાં બનાવવાના ઓર્ડર આપતા અને તે ઘરેણાં તૈયાર થયા બાદ તેને પરત કરતા નક્કી થયા મુજબ તે અમને ફાઇન ગોલ્ડ આપતા હતા. દરમિયાન તા.8-2-2024થી 12-2-2024ના સમય ગાળામાં પ્રવીણ અકબરીએ આપેલા ઓર્ડર મુજબના ઘરેણાં બનાવીને સમયસર પરત કરી દીધા હતા. જેથી પ્રવીણ અકબરી પાસેથી કુલ 814.671 મિલિગ્રામ ફાઇન ગોલ્ડ લેવાનું નીકળતું હતું. જેની સામે તેણે માત્ર 393.911 મિલિગ્રામ ફાઇન ગોલ્ડ આપ્યું હતું જ્યારે બાકીનું રૂ.26,78,400ના કિંમતનું 432.760 મિલિગ્રામ ફાઇન ગોલ્ડ મુદ્દે અનેક વખત કહેવા છતાં તેને પરત આપ્યું ન હતું. એક મહિના પૂર્વે તેની પાસે જઇ ફરી ઉઘરાણી કરતા પ્રવીણ અકબરીએ અમારે તને કોઇ સોનું આપવાનું થતું નથી, તારાથી થાય તે કરી લેજે અને ફરીથી સોનું લેવા આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.એચ.પરમારે ગુનો નોંધી વેપારીની શોધખોળ હાથ ધરી છે.