ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાત સહીત દેશનાં અનેક રાજયો હીટવેવનો સામનો કરી રહ્યા છે અને વીજ ડીમાંડમાં અસામાન્ય વધારો થયો છે. ગુજરાતનાં ઈતિહાસમાં વિજ ડીમાંડ પ્રથમ વખત 25000 મેગાવોટને પાર થઈ છે. રાજયમાં છેલ્લા 12 દિવસથી હીટવેવની હાલત છે અને અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, સહીતના શહેરોમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને પાર થઈ રહ્યું છે.સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે વિજ ડીમાંડ 25089 મેગાવોટનાં સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ વખતે રાજયના અમુક ભાગોમાં તાપમાન 45 ડીગ્રી હતું.
- Advertisement -
વિજ તંત્રનાં સુત્રોએ કહ્યું કે, ભીષણ ગરમીને કારણે ઘર વપરાશ તથા કૃષિ વીજ ડીમાંડમાં મોટો વધારો થયો છે.ઉંચા તાપમાનમાં ઔદ્યોગીક વિજમાંગ પણ વધી જતી હોય છે. કેટલાંક દિવસોથી રાત્રીનું તાપમાન પણ વધી ગયુ છે. પરિમાણે વીજળીની રાત્રીમાં પણ ડીમાંડ વધુ છે. હવામાન વિભાગનાં રીપોર્ટમાં દર્શાવાયું જ હતું કે રાજયમાં ન્યુનતમ તાપમાન પણ 30 ડીગ્રીથી વધુ રહે છે.
ગુજરાત ઉર્જા વિજ નિગમ નિયમનાં સુત્રોએ કહ્યુ કે, બપોરે ત્રણ વાગ્યે વિજ ડીમાંડ 25089 મેગાવોટ થઈ હતી. તેમાં પીજીવીસીએલનો હિસ્સો 28 ટકા, ઉતર ગુજરાત વીજ કંપનીનો 24 ટકા, દક્ષિણ ગુજરાત વિજ કંપનીનો 21 ટકા તથા મધ્ય ગુજરાત વિજ કંપનીનો 11 ટકા રહ્યો છે. તેઓના કહેવા પ્રમાણે કૃષિક્ષેત્રને પણ દિવસન સમયે વીજળી આપવાની નીતિ લાગુ કરવામાં આવી હોવાથી દિવસની વિજ ડીમાંડમાં વધારા પાછળનુ આ પણ એક મોટુ કારણ છે. તંત્ર દ્વારા વિજ એકમોમાં શટડાઉન નહીં રાખીને પુરતા પ્રમાણમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. રાજયમાં મહતમ તાપમાનમાં વધારો થવાનું ચાલુ રહેશે તો વિજ ડીમાંડનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે. ગત વર્ષે ઉનાળા બાદ સપ્ટેમ્બરમાં 24540 મેગાવોટ વિજ ડીમાંડનો રેકોર્ડ સર્જાયો હતો. ગુજરાતમાં આ પૂર્વે 6 મેના રોજ વિજ ડીમાંડ 24111, 9 મેના રોજ 24089 મેગાવોટ તથા 11 મેના રોજ 24460 મેગાવોટ પર પહોંચી હતી.