સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી શુભેચ્છાઓનો વરસાદ, દીકરાનું ઘર સંસ્થાની 7 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, વડીલોની સેવા સાથે અવિરત ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ
25 વર્ષની સેવા યાત્રામાં સહયોગ આપનારા નામી-અનામી દાતાઓનો આભાર વ્યકત કરતા મુકેશ દોશી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પોતાના સંતાનો દ્વારા તરછોડાયેલા નિરાધાર અને નિ:સહાય માવતરોનો આનંદાશ્રમ એટલે કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રુક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃદ્ધાશ્રમ દીકરાનુું ઘર તેની વડીલવંદના અને અવિરત સેવાયાત્રાના 25 વર્ષ પૂર્ણ કરી
રહ્યુ છે.
1998માં 27મી સપ્ટેમ્બરના રોજ ભારતભામાશા સ્વ. દીપચંદભાઇ ગાર્ડી, સ્વ. ઊર્મિલાબેન રામચંદ્ર શુક્લ અને પૂર્ણિમાબેન જોષીના દાનથી રાજકોટ શહેરથી 14 કિલોમીટર દૂર નાના એવા ધરતીપુત્રોના ગામમાં 3 એકરમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સ્થાપના અને શરૂઆત સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ વૃદ્ધાશ્રમની શરૂઆત એક વિંગ બનાવીને કરવામાં આવી હતી. જ્યાં આજે અનેક નામી-અનામી દાતાઓના સહકાર અને દાનથી અદ્યતન સાધન સુવિધાથી સજ્જ અલ્ટ્રામોર્ડન ફેસીલીટી ધરાવતા વિશાળ પરીસરમાં સંપૂર્ણ હવા ઉજાસવાળા કુદરતી વાતાવરણ અને સાનિધ્ય ધરાવતા નિવાસસ્થાનો, એરકંડીશન ઓડીટોરીયમ, પુસ્તકાલય, ભારતમાતા અને મંગલેશ્ર્વ મહાદેવનું મંદિર, રીક્રીએશન ઝોન, ફોટો ગેલેરી, ધ્યાન કુટીર, મીની આઇ.સી.યુ. યુનિટ, સ્ટાફ ક્વાર્ટર, સ્ટોર રૂમ, ગેસ્ટ રૂમ, ડાયનીંગ હોલ, ગાર્ડન, પ્રવેશ દ્વાર, રમત ગમતનું મેદાન સહિતની તમામ જરૂરિયાતની સુવિધાઓ માવતરોના આરામદાયક અને આનંદદાયક જીવન નિર્વાહ માટે સંસ્થા દ્વારા કરવામાં આવી છે. કોઇ પ્રકારની સરકારી ૃહાય વગર માત્રને માત્ર સમાજના સંપૂર્ણ દાનથી ચાલતી સંસ્થામાં નિવાસ કરતા તમામ વડીલો પાસેથી કોઇ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તમામ વડીલો ભૌતિક સુવિધાઓ સાથે શહેર શ્રેષ્ઠીઓ, દાતાઓની હુંફ, કાર્યકર્તાઓની લાગણી અને પ્રેમભાવ સાથે પારીવારીક વાતાવરણ વચ્ચે પોતાની પાછોતરી જીંદગીનો આસ્વાદ માણી રહ્યા છે.
વૃદ્ધાશ્રમની 25 વર્ષની સેવાયાત્રા દરમિયાન 7 લાખથી વધુ લોકોએ મુલાકાત લઇને સંસ્થાની પ્રવૃતિને બિરદાવી છે. મુલાકાતીઓમાં રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ધારાસભ્યો-સાંસદો, સેવાક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના સાધુ-સંતો, અધિકારીઓ, વિદેશી પર્યટકો, પદાધિકારીઓ તેમજ શાળા-કોલેજના છાત્રોનો સમાવેશ થાય છે. તેમજ સંસ્થા દ્વારા દીપચંદભાઇ ગારડીના નામથી પ્રતિ વર્ષ સમાજ જીવનમાં નોંધપાત્ર 5્રદાન કરનારા મહાનુભાવોને ગારડી એવોર્ડ, નવરાત્રી મહોત્સવ, તમામ ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણી, પવિત્ર શ્રાવણ માસમાં વિશિષ્ટ કાર્યક્રમો, કુદરતી કે માનવીય આપતી વેળાએ સેવાકાર્ય સહિતની પ્રવૃતિઓ થાય છે.
શહેરીજનો સાહિત્યિક પ્રવૃતિમા રસ લેતા થાય તેવા આશયથી સાહિત્ય સેતુ નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે. તેમજ વાંચન પ્રવૃતિને વેગ મળે અને યુવાન પેઢી વાંચતી થાય તે માટે બે વર્ષથી રસિકભાઇ મહેતા પુસ્તક પરબ પણ શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થથાની અનેક પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ અને દેશ-વિદેશમાં જાણીતા થયેલા વહાલુડીના વિવાહ લગ્નોત્સવનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં માતા-પિતા વિહોણી 113 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. આ વર્ષે પણ વહાલુડીના વિવાહ-6 આગામી 17 ડિસેમ્બરના રોજ યોજાનાર છે.
સંસ્થામાં રહેતા તમામ વડીલોને આયુષ્યમાન કાર્ડથી તેમજ સરકાર દ્વારા મળતા માસિક પેન્શનથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. નિયમિત સમયાંતરે વડીલોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. તેમજ નાના-મોટા કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી પશુ પક્ષીઓ માટેનું હરતુ ફરતું અન્નક્ષેત્ર કલરવ ચાલે છે. જેમાં રોજ પક્ષીને ચણ, કીડીયારું, શ્ર્વાનોને દૂર-રોટલી, કાબરને ફરસાણ પીરસવામાં આવે છે. ઉપરોક્ત માહિતી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની અઢી દાયકાની સેવા સફરના સાક્ષીઓ અને સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી, મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રજો સહિતનાઓએ આપી હતી.
સંસ્થાની તમામ પ્રવૃતિમાં મુકસેવકો જીતુભાઇ ગાંધી, હરીશભાઇ હરિયાણી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, દોલતભાઇ ગદેશા, યશવંતભાઇ જોષી, મહેશ જીવરાજાની સહિતનાઓ હંમેશા કાર્યરત રહે છે. સેવાયાત્રાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમાજજીવનના સેવા, ઉદ્યોગ, શિક્ષણ, વ્યાપાર, રાજકીય, સામાજીક ક્ષેત્રના સ્વજનો દ્વારા શુભેચ્છાઓઓ વરસાદ વરસી
રહ્યો છે.