ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-2023નો પ્રારંભ કરાવ્યો છે. મંત્રીશ્રીએ કેશોદ તાલુકાના અજાબ ગામના સૂડાવડલી તળાવ ખાતે ભૂમિ પૂજન કરી વિધિવિત આ જળસંચયના અભિયાનનો શુભારંભ કર્યો છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં વર્ષ 2023-24માં રૂ. 4.95 કરોડના ખર્ચે કુલ 246 જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. જેમાં તળાવ, નાના મોટા જળાશયો, ડેમ, ચેકડેમમાંથી માટી કાઢીને ઊંડા ઉતારવામાં આવશે. જેથી જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરી શકાય. ઉપરાંત ડેમ,ચેકડેમનું મરામત કાર્ય અને સિંચાઈ માટેની નહેરની સાફ-સફાઈ સહિતના કામો હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 1400થી વધુ જળસંચયના કામો કરવામાં આવ્યા છે. જેના પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવી રહ્યું છે.