15 ડ્રાફટ અને 7 પ્રિલિમિનરી ટીપી સ્કીમોને રાજય સરકાર દ્વારા છેલ્લા એકથી લઈ 20 વર્ષથી કોઈ કારણોસર મંજૂરી આપવામાં આવતી નથી
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વમાં સૌથી ઝડપી વિકાસ સાધતા 100 શહેરોમાં સ્થાન ધરાવતું રાજકોટ શહેર રાજાની કુંવરીની માફક દિવસે ન વધે તેટલુ રાત્રે અને રાત્રે ન વધે તેટલુ દિવસે વિકાસ પામી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમ્સ, બસપોર્ટ સહિતની સુવિધાથી રાજકોટના સ્માર્ટ વિકાસનો રોડ મેપ પણ તૈયાર થઈ ચૂકયો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટનો વિકાસ 22 પેન્ડિગ ટીપી સ્કીમો રૂંધી રહી છે. રાજય સરકારમાં એકથી લઈ 20 વર્ષથી અલગ અલગ 22 ટીપી સ્કીમોની ફાઈલ મંજૂરીની વાટ જોઈ રહી છે. પદાધિકારીઓ અને અધિકારીઓ ઉઘરાણી કરી થાકયા છતા હજી સરકારની આળસ ઉડતી નથી.
પરિણામે સંભવીત વિકાસ પર વિપરીત અસર પડી રહી છે.કોઈપણ શહેરનાં વિકાસમાં નગર રચના યોજનાનો સિંહ ફાળો રહેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો સુવ્યવસ્થિત ટીવી સ્ક્રીમને વિકાસની પારાશીશી માનવામાં આવે છે. જો નિયમાનુસાર રાજય સરકાર દ્વારા ટીપી સ્કીમોને બહાલી આપી દેવામાં આવે તો રાજકોટને મેટ્રો સિટી બનવામાં બહુ વાર લાગે તેમ નથી. ટીપી સ્કીમ પેન્ડીંગ રહેવા પાછળનું સૌથી મોટુ અને મહત્વનું પાસુ રાજય સરકાર દ્વારા નિયુકત કરવામાં આવતી ટીપીઓની આળસ જ જવાબદાર છે. અમૂક કેસમાં લીટીગેશનનો પણ ઈશ્યુ ઉભો થતો હોય છે. રાજકોટ મહાપાલિકા દ્વારા મનાવવામાં આવેલી અથવા નવા ગામે ભળતા રૂડા દ્વારા મળેલી કુલ 54 ટીપી સ્કીમો પૈકી 32 ટીપી સ્કીમને જ રાજય સરકાર દ્વારા ફાઈનલ કરવામા આવી છે. બાકી 15 ડ્રાફટ ટીપી સ્કીમ અને 7 પ્રિલીમીનરી આજની તારીખે રાજય સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની એક, બે નહી બાવીશ ટીપી સ્કીમો હાલ રાજય સરકારના ટીપીઓ પાસે પેન્ડીંગ છે. જેના કારણે વિકાસ રૂંધાય રહ્યો છે. ટીપી સ્કીમો પેન્ડીંગ રાખવામાં રાજય સરકારના ચીફ ટાઉન પ્લાનીંગની આળસ પણ જવાબદાર છે. સામાન્ય રીતે સરકારમાં રજૂ થયા બાદ બે વર્ષમાં ટીપી સ્કીમને મંજૂરી આપી દેવી જોઈએ પરંતુ લીટીગેશન સહિતના કારણે આવુ કયારેય શકય બનતુ નથી.અમૂક કેસમાં ટીપી બનાવવા માટે કપાતમાં ગયેલી જમીન સામે ખેડુતોએ પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાથી ટીપીને મંજૂરી આપી શકાતી નથી. બે દાયકા સુધી ટીપી સ્કીમોને મંજૂરી આપવામાં આવતી ન હોવાના કારણે વિકાસ રઝળી પડે છે. અને અનેક પ્રશ્ર્નો પણ ઉભા થાય છે.ડ્રાફટ ટીપીને તત્કાલીક મંજૂરી આપી દેવામાં આવે છે.ત્યારબાદ રાજય સરકાર દ્વારા જેતે ટીપી સ્કીમ માટે ટીપીઓની નિયુકિત કરવામા આવે છે. જે સમગ્ર ટીપી સ્કીમની ચકાસણી કરવા સહિતની કામગીરીમાં લાંબો સમય કાઢી નાંખે છે. થોડી ઘણી કામગીરી થાય કે આ ટીપીઓની બદલી થઈ જાય છે. અથવા તે નિવૃત થઈ જતો હોય છે. બીજી ટીપીઓની નિમણુંક કર્યા બાદ ફરી તે પોતાની રિતે નવેસરથી સમગ્ર પ્રક્રિયા શરૂ કરે છે. આવી ઢીલાશના કારણે નિયમ મુજબ ટીપી સ્કીમ મંજૂર થવામાં વર્ષો નિકળી જાય છે.હાલ રાજય સરકારમાં જે 22 ટીપી સ્કીમો મંજૂરીની વાટ જોઈ રહી છે. તેમાં ડ્રાફટ ટીપી સ્કીમ નં. 14 (રાજકોટ) તા. 7/6/2001 થી પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 10 (રાજકોટ) તા. 21/5/2002થી મંજૂરીની રાહ જોઈ રહી છે.શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે કાઈ પણ સ્થાનીક સ્વરાજયની સંસ્થા દ્વારા ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવામાં આવતી હોય છે.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા અત્યાર સુધીમાં બનાવવામાં આવેલી અથવા આસપાસના ગામો ભળતા રૂડા દ્વારા મળેલી ટીપી સ્કીમની સંખ્યા 54 થાય છે જે પૈકી 32 ટીપી સ્કીમને રાજય સરકાર દ્વારા ફાઈનલ મંજૂરી આપી દેવામાં આવી છે જયારે 15 ડ્રાફટ ટીપી સ્કીમ અને 7 પ્રિલિમીનરી ટીપી સ્કીમ રાજય સરકારમાં મંજૂરીની રાહ જોઈ રહી છે.રાજય સરકાર દ્વારા ડ્રાફટ ટીપી સ્કીમને મંજૂરીની મહોર મારતાની સાથે જ રોડ રસ્તાના કબજા મળી જાય છે. જયારે પ્રિલિમીનરીને બહાલી અપાતા અનામત પ્લોટના કબજા પણ કોર્પોરેશનને મળે છે.
ટીપી સ્કીમ ફાઈનલ થયા બાદ જેતે વિસ્તારનો વિકાસનો માર્ગ સરળ બને છે. અને ટીપી બનાવવા માટે જે જમીન ધારાની 40 ટકા જમીન કપાતમાં ગઈ હોય તેને વળતર પણ મળવા લાગે છે. ટીપી ફાઈનલ થયા બાદ વિકાસની એક રૂપરેખા તૈયાર થઈ જાય છે.
- Advertisement -
ઈરાદો જાહેર કર્યા બાદ ટીપી સ્કીમ બનાવી 9 માસમાં સરકારમાં રજૂ કરવી ફરજિયાત
ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવા માટે ઈરાદો જાહેર કર્યા બાદ કોઈપણ સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ હેઠળ નવ માસની સમય મર્યાદામાં તૈયાર કરી મંજૂરી અર્થે રાજય સરકારમાં રજૂ કરી દેવાની રહે છે. અને સરકારના ચીફ ટાઉન પ્લાનરે પણ બે વર્ષની સમય મર્યાદામાં આ ટીપી સ્કીમને મંજૂરી આપી દેવાની રહે છે.
ટીપી સ્કીમ 9 (રાજકોટ) 25 વર્ષે થઈ હતી ફાઈનલ
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા બનાવવામાં આવેલી ટીપી સ્કીમ નં. 9 (રાજકોટ)ને રાજય સરકાર દ્વારા 1992માં ડ્રાફટ ટીપીને મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન આ ટીપી ફાઈનલ થતા અઢી દાયકાનો લાંબો સમય વિતી ગયો હતો ટીપી સ્ક્રીમ 9ને રાજય સરકાર દ્વારા વર્ષ 2017માં ફાઈનલ કરવામાં આવી હતી.