જાહેરમાં કચરો કરનારા પાસેથી રૂા. 27,250નો વહીવટી ચાર્જ વસૂલાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં ખુલ્લેઆમ થતાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે આળસ ખંખેરીને કડક હાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તથા જાહેરમાં કચરો કરનાર સામે પણ દંડ ફટકારીને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિક, સઘન સફાઈ સહિતના પ્રશ્ર્ને આસામીઓ સામે કડક હાથે ઝુંબેશ શરૂ કરીને મધ્યમ ઝોનના દાણાપીઠ, પરાબજાર, કોર્ટ ચોક, કંદોઈ બજારના વિસ્તારમાંથી 18 આસામીઓ પાસેથી 211.60 કિ.ગ્રા. જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા જાહેરમાં કચરો કરનાર આસામીઓ પાસેથી રૂા. 27,250 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આ કામગીરી મ્યુ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળાની આગેવાની હેઠળ સેનિટેશન ઓફીસર શાંતિલાલ જાખણીયા, કેતન ગોંડલીયા, એસ.એસ.આઈ. પઠાણ, વાળોદરા, દવે દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં
આવેલી હતી.