મોટી દુર્ઘટના ટળી
સાંકડા પ્રવેશદ્વારના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢમાં 74 કરોડના ખર્ચે રીસ્ટોરેશન કરવામાં આવેલ ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરકોટ કિલ્લાના લોકાર્પણ બાદ તેને 4 દિવસ સુધી આમ જનતા માટે નિશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો, ત્યારે ગઈકાલે બપોર સુધીમાં નિ:શુલ્ક એન્ટ્રી તેમજ ઉપરકોટના પ્રવેશદ્વારથી લઈને પોલીસ ચોકી સુધીના સાંકડા એન્ટ્રી પોઈન્ટને લઈને 4 કલાકમાં 20 હજાર જેટલા પ્રવાસીઓ ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉપરકોટ કિલ્લામાં આમ જનતા માટે નિશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો. 29 સપ્ટેમ્બરના રોજ 7200 પ્રવાસીઓ, 30 સપ્ટેમ્બરના રોજ 18,300 પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લીધી હતી.
ત્રીજા દિવસે રવિવાર રજાનો માહોલ હોવાથી ઉપરકોટ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહ્યો હતો. સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં (4 કલાક) 20 હજારથી વધુ લોકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કિલ્લાના પ્રવેશદ્વારથી લઈને ઉપરકોટ પોલીસ ચોકીના સાંકડા માર્ગ પર સામ-સામે પ્રવાસીઓનો ધસારો વધતા અંધાધૂધી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લા કલેકટર અને ગાંધીનગર પ્રવાસન વિભાગના એમ.ડી. ડો. સૌરભ પારધી સુધી આ વાતની જાણ કરીને નિર્ણય લીધો અને બપોર પછીથી ઉપરકોટમાં લોકો માટે પ્રવેશ બંધ કર્યો હતો. સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રા.લી. ના રાજેશ તોતલાણીએ અંતે જાહેર કર્યું હતું કે, ઉપરકોટ કિલ્લામાં નિશુલ્ક એન્ટ્રીના કારણે શરુઆતના બે દિવસમાં 26 હજાર લોકોએ ઉપરકોટની મુલાકાત લીધી હતી, અને તેના ફોટા વીડિયો વાયરલ થતા રવિવારની રજામાં ધાર્યા કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા.