ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચોમાસુ વરસાદના અભાવના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી રહી છે. આ વર્ષે મોડે સુધી ગરમીની સીઝન રહી જેની અસર શિયાળુ પાકોના વાવેતર પર જોવા મળી રહી છે. નવેમ્બર અંત સુધીમાં આંકડાઓ મુજબ રાજયમાં રવિ પાકોના વાવેતરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ઘઉં, ચણા અને રાયડાના વાવેતર ઘટયા છે. એક માત્ર જીરૂમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજયમાં 28મી નવેમ્બર સુધીમાં કુલ વાવેતર 20.21 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે આજ સમયે 25.18 લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં 20 ટકાનો કાપ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ શિયાળુ વાવેતર ઘઉંનું થાય છે. જેમાં નીચા ભાવને કારણે વાવેતરમાં 32 ટકાનો ઘટાડો થઇ 3.77 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે 5.52 લાખ હેકટરમાં થયું હતું.
રાજયમાં ઘઉંનું વાવેતર આ વર્ષે મોડુ શરૂ થયું હોવાથી 15 ડિસેમ્બર બાદ વાવેતરનો સારો અંદાજ સામે આવશે. જીરૂના ભાવ ઉંચા હોવાથી ખેડુતોએ તરફ વળ્યા છે. વાવેતર બમણુ થયું છે. સવા અને ઇસબગુલ જેવા અન્ય મસાલા પાકના વાવેતરમાં નોંધ ભાગ વધારો થયો છે. ધાણામાં 64 ટકાનો ઘટાડો થયો છે.