કોવિડ કાળથી ટ્રેન્ડ વધ્યો અને સતત વધતો જ જાય છે
શેરબજારની કમાણી રીઅલ એસ્ટેટમાં ટ્રાન્સફર થતી હોવાનુ મહત્વનુ તારણ
- Advertisement -
સીધા રોકાણ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ- એસઆઈપી મારફત ઈન્વેસ્ટમેન્ટ બે-ત્રણ ગણુ વધ્યુ
ભારતીય અર્થતંત્રનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ભારતીયોને ફાઈનાન્સીયલ માર્કેટમાં રોકાણમાં પણ વધારો થયો છે. ભારતના 20 ટકા પરિવારો પોતાની બચતનું રોકાણ ફાઈનાન્સીયલ માર્કેટમાં કરી રહ્યા છે. નેશનલ સ્ટોક એકસચેંજમાં રજીસ્ટર્ડ યુનિક ટેકસ આઈડીની સંખ્યા પાંચ વર્ષ પુર્વે 2.7 કરોડ હતી તે હવે 9.2 કરોડે પહોંચી છે.
શેરબજારને લાગે વળગે છે ત્યાં સુધી રીટેઈલ ઈન્વેસ્ટરોનો ટર્નઓવરમાં હિસ્સો 35.4 ટકાએ પહોંચ્યો છે. રીટેઈલ ઈન્વેસ્ટરોના રજીસ્ટ્રેશન, તેમના વોલ્યુમ, નેટ ઈન્વેસ્ટમેન્ટ તથા લીસ્ટેડ કંપનીઓમાં ભાગીદારીમાં વધારો છે.
- Advertisement -
કેન્દ્ર સરકારના સર્વે રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાકાળ વખતથી આ ટ્રેન્ડ છે અને સતત વધી રહ્યો છે. સામાન્ય લોકોને ફાઈનાન્સીયલ ક્ષેત્રમાં સામેલ કરવા, સરળ પ્રક્રિયા માટે ટેકનોલોજીનો વિકાસ, બ્રોકરેજમાં ઘટાડો, લોકોની વૈકલ્પિક-વધારાની આવકમાં વધારો શેરબજારમાં રોકાણ વૃદ્ધિ માટે જવાબદાર છે. રીયલ એસ્ટેટ તથા ગોલ્ડમાં રીટર્ન ઓછુ મળવાને કારણે પણ ઈન્વેસ્ટરોમાં શેરબજાર તરફનો ટ્રેન્ડ વધ્યો છે.
સીધા રોકાણ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડો મારફત પણ રીટેઈલ ઈન્વેસ્ટરોની શેરબજારમાં ભાગીદારી વધી છે. નાણાવર્ષ 2023માં 146 મીલીયન ફોલીયો હતા તે 2024માં 178 મીલીયન થયા હતા. મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટરોનુ રોકાણ 14 લાખ કરોડ વધીને 53.4 લાખ કરોડે પહોંચ્યુ હતું. એક વર્ષમાં 35 ટકાનો વધારો સુચવે છે.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે, નીચા વ્યાજદરથી સાનુકુળ આર્થિક માહોલ, કોરોનાકાળ બાદ સળંગ આર્થિક રિકવરી, ફુગાવા પર નિયંત્રણ તથા અન્ય સુધારાત્મક પગલા-નીતિની અસરે શેરબજારમાં રોકાણ વધી રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સંખ્યા 8.4 કરોડ પર પહોંચી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રવાહ ડબલ થઈ ગયો છે. 2021માં એક લાખ કરોડનુ થતુ રોકાણ હવે બે લાખ કરોડે પહોંચ્યુ છે. એવુ પણ જણાવાયુ છે કે રીટેઈલ ઈન્વેસ્ટરો શેરબજાર-ફાઈનાન્સીયલ માર્કેટની કમાણીનુ રોકાણ પછી રીઅલ એસ્ટેટમાં કરે છે.