-ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડકપ પહેલાં પાંચ વન-ડે શ્રેણી રમશે ટીમ ઈન્ડિયા
BCCI વન-ડે વર્લ્ડકપ કેવી રીતે જીતવો તેની રણનીતિ બનાવવામાં લાગી ચૂક્યું છે. વર્લ્ડકપ ભારતમાં જ ઑક્ટોબર-નવેમ્બરમાં રમાશે. આ માટે 20 ખેલાડીઓનું એક પુલ તૈયાર કરવામાં આવ્યું છે અને આ 20ને જ વર્લ્ડકપ પહેલાં વધુ તક આપવામાં આવશે. ટીમ ઈન્ડિયા વર્ષની પહેલી વન-ડે શ્રેણી શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી રમશે. ટીમમાં કુલ 16 ખેલાડીને પસંદ કરવામાં આવ્યા છે તેમને જ આગળ પણ અજમાવાઈ શકે છે.
- Advertisement -
શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણી માટે રોહિત શર્માને કેપ્ટન તો હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને જગ્યા મળી નથી કેમ કે તેઓ અત્યારે ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. આ બન્નેની વર્લ્ડકપ ટીમમાં જગ્યા પાક્કી છે. જાડેજા 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતમાં રમાનારી વન-ડે શ્રેણીમાં પસંદ થઈ શકે છે. વિકેટકિપર-બેટર પંત અત્યારે ઈજાગ્રસ્ત છે પરંતુ વર્લ્ડકપ આડે હજુ 10 મહિનાનો સમય બાકી છે આવામાં તેને પણ ટીમમાંથી બહાર માની શકાય તેમ નથી.
આ રીતે કુલ 19 ખેલાડીઓ વન-ડે વર્લ્ડકપના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. એક જગ્યા માટે અનેક દાવેદારો છે જેમાં સંજુ સેમસનથી લઈને ઋતુરાજ ગાયકવાડ તો આર.અશ્વિનથી લઈને ભુવનેશ્વર કુમાર સહિતના સામેલ છે. અશ્વિન ભારતીય સ્પીન પીચ ઉપર મહત્ત્વનો સાબિત થઈ શકે છે. જો પંત ફીટ નથી થતાો તો વિકેટકિપર તરીકે સંજુ સેમસનનું પલડું ભારે છે. જો કે તેને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી નથી. હવે આ 20 ખેલાડીઓની વાત કરવામાં આવે તો સાતની તો વર્લ્ડકપ માટે પસંદગી નિશ્ચિત જ છે.
રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યરનું વર્લ્ડકપ માટે પાક્કું છે. જાડેજા અને બુમરાહની ફિટનેસનો સવાલ ઉભો છે પરંતુ આ બન્નેએ ટીમ માટે કરેલું શ્રેષ્ઠ પ્રદર્શન કોઈ નકારી શકે તેમ નથી.
- Advertisement -