વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના બે વિદ્યાર્થીએ કર્યું રિસર્ચ
ભરૂચના ભાડભૂત અને હાંસોટ ગામે બે વિદ્યાર્થી પહોંચ્યા અને માહિતી મેળવી સંશોધન કર્યું
મુગલી સિફેલસ અને મડસ્કેપર માછલીને ખરીદી લેબમાં લાવ્યા બાદ તારણ કાઢ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નર્મદા નદીમાં એટલું બધું પ્લાસ્ટિક છે કે નદીમાંથી પકડાતી માછલીઓના પેટમાં પણ પ્લાસ્ટિકના નાનાં નાનાં કણો છે. હવે વિચારો, આ માછલી કોઈ ખાય તો? એ પણ રોજેરોજ કોઈ ખાય તો તેના પેટમાં પણ પ્લાસ્ટિકની અસર થવા લાગે. આ પ્રકારનું સંશોધન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગે કર્યું છે. રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિસર્ચર્સે ભરૂચ આસપાસના ભાડભૂત અને હાંસોટ ગામેથી માછલીઓ પકડી હતી. તેમાંથી બે પ્રકારની માછલીના પેટમાંથી ફીશનેટ (માછલીની જાળ)ના નાયલોનના દોરા અને પ્લાસ્ટિકના નાનાં નાનાં કણો મળી આવ્યા હતા. આ ઉ5રાંત એક માછીમારની જાળમાં 20 કિલો પ્લાસ્ટિક ફસાતી હોવાનું પણ સ્થાનીક માછીમારો પાસેથી જાણવા મળ્યુ છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર (ઝૂઓલોજી) વિભાગના સ્ટુડન્ટ્સ સંશોધન કરતા રહે છે. આવા જ એક સંશોધનના ભાગરૂપે બે વિદ્યાર્થીઓ પ્રિયાંશુ અને રશ્મિ રેસમકર ભાડભૂત અને હાંસોટ ગયા હતા. આ બંને સ્ટુડન્ટ્સે માછલીના પેટ પર રિસર્ચ કરીને શોધી કાઢ્યું હતું કે પકડાયેલી માછલીઓના પેટમાં પ્લાસ્ટિકના નાનાં નાનાં કણ છે. જે માછલી માટે, જળચર જીવો માટે અને માણસો માટે આવનારા ભવિષ્યમાં ખતરો બની શકે છે. સંશોધન કરનાર બંને વિદ્યાર્થીએ માર્કેટમાંથી બે પ્રકારની માછલીઓ ખરીદી હતી. મુગલી સિફેલસ (ગુજરાતી નામ : બોઈ) અને બીજી માછલી છે મડસ્કેપર (ગુજરાતી નામ : લેવટા). આ બંને પ્રકારની માછલીઓને વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ઝુઓલોજી વિભાગની લેબમાં લઈ આવ્યા હતા અને તેના પર સંશોધન શરૂ કર્યું હતું. બંને માછલીઓના પેટમાંથી પ્લાસ્ટિકના નાનાં નાનાં કણો મળ્યા હતા. જેમાં માછલીના પેટમાંથી પ્લાસ્ટિકના દોરા તથા પ્લાસ્ટિકની ફિલ્મના ટુકડા મળી આવ્યા હતા. જો માછલીના પેટમાંથી આ નાનાં કણ મળી આવ્યા છે તો માછલીના મસલ્સમાં પણ હોવાની સંભાવના છે. એટલે તે દિશામાં પણ સંશોધન ચાલી રહ્યું છે.
પ્લાસ્ટિક નાશ પામતું નથી એટલે નાનાં નાનાં કણોમાં વિભાજિત થયા કરે છે
સંશોધન માટે નદીનો નીચાણવાળો વિસ્તાર પસંદ કર્યો. કારણ કે જ્યાં નદીનું પાણી આગળ જતાં દરિયામાં ભળે તે આસપાસના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણીની સાથે કચરો વહીને આવી જતો હોય છે. ભાડભૂત અને હાંસોટ નદીની નીચાણવાળા વિસ્તારમાં છે એટલે ત્યાંથી માછલી ખરીદી. સંશોધનમાં જોયું તો માછલીના પેટમાંથી જે ક્ધટેન્ટ કાઢ્યા તેમાં માઈક્રો પ્લાસ્ટિકનું પ્રમાણ વધારે જોવા મળ્યું. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક નાશ પામતું નથી એટલે નાનાં નાનાં કણોમાં વિભાજિત થયા કરે છે. આ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં માછલીઓ પકડીને વેચાણ થાય છે અને સ્થાનિક લોકો પણ ખાય છે. હજી સુધી એ સાબિત થયું નથી કે માછલીમાંથી માણસમાં કેટલું પ્લાસ્ટિક ટ્રાન્સફર થઈ રહ્યું છે. અમને માછલીના પેટમાંથી પ્લાસ્ટિકના દોરા, ફિલ્મ, થર્મોકોલના કણો પણ મળી આવ્યા છે. ભાડભૂત ગામના માછલી વેચતા એક વેપારી કહે છે, અમે ઘણા વર્ષોથી માછલીનો વેપાર કરીએ છીએ અને અમારી માછલીઓ છેક કોલકત્તા સુધી જાય છે. જ્યારે માછીમારી કરવા જે લોકો નદીમાં જાય છે ત્યારે માછલીઓ ઓછીને પ્લાસ્ટિકનો કચરો જાળમાં વધારે આવે છે. એક વખતમાં જ 15 થી 20 કિલો જેટલું તો પ્લાસ્ટિક જ મળી આવતું હોય છે.