ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આનંદ ઉલ્લાસના ઉતરાયણ પર્વમાં અનિચ્છાએ પણ ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે, ત્યારે આ પક્ષીઓને બચાવવા અને સારવાર માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ માટે સમગ્ર જિલ્લામાં તા.20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે.ઉતરાયણ પર્વમાં ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન હેઠળ 1962 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આ અભિયાનમાં પશુપાલન વન વિભાગ અને પીજીવીસીએલની ટીમ સંકલનમાં રહીને કામગીરી કરશે. ઉપરાંત 16 જેટલી સેવાભાવી સંસ્થાઓના સ્વયંસેવકો પણ પક્ષીઓના જીવ બચાવવા માટે કરુણા અભિયાનમાં જોડાશે.તેમજ જૂનાગઢ શહેરમાં ત્રણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. જે ઝાંઝરડા ચોકડી, તળાવ દરવાજા અને મજેવડી દરવાજા ખાતે હાજર રહેશે. આ મોબાઈલ વેનના માધ્યમથી ઘાયલ પક્ષીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવશે. પક્ષીની વધુ ગંભીર સ્થિતિ જણાયે રેસ્ક્યુ સેન્ટર ખાતે પક્ષીઓને રીફર કરવામાં આવશે.