4 એકર જગ્યામાં થયેલું દબાણ તંત્રે દૂર કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ઘંટેશ્વર પાસે નવી કોર્ટ બિલ્ડીંગના પ્રારંભ પહેલા ગેરકાયદેસર દબાણ કરનારા સામે લાલ આંખ કરતાં આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર 14 ઝૂંપડા તોડી પાડી રૂ.20 કરોડની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. આ જગ્યા ઉપર આગામી સમયમાં કોર્ટના જજ, વકીલો અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરનું નિર્માણ થવાનું છે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાથી છેલ્લા એક પખવાડિયાથી જિલ્લામાં ડિમોલિશન શરૂ થયું છે. ત્યારે આજે શહેરના ઘંટેશ્વર પાસેની નવી કોર્ટ આસપાસ દબાણરૂપ ઝૂંપડાને તોડી પાડવા માટે ડિમોલીશન કરવામાં આવ્યું હતું. 4 એકર જગ્યામાં થયેલું દબાણ દૂર કરી રૂ.20 કરોડની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી.
રાજકોટનાં ઇન્ચાર્જ તાલુકા મામલતદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ઘંટેશ્વરનાં સર્વે નં.150 પૈકીમાં આવેલ અને નવી કોર્ટ બિલ્ડીંગની બાજુમાં આવેલ અંદાજીત 4 એકર સરકારી જમીન કે જેની બજાર કિંમત રૂ.20 કરોડ જેટલી થાય છે. તેની ઉપર છેલ્લા કેટલાક સમયથી 14 જેટલા ગેરકાયદેસર ઝૂંપડા ખડકાઈ ગયા હતા. આ દબાણકર્તાઓને તંત્રએ અગાઉ નોટીસો પાઠવવા છતા દબાણો નહીં હટાવાતા આજે કલેક્ટરની સુચના મુજબ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા 14 ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.