વીજ લાઇનમાંથી તણખલા પડતા ખેતરમાં લાગી ભીષણ આગ: વર્ષભરની મહેનત બળીને ખાક થતા ખેડૂતોએ વળતરની માંગ ઉઠાવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
હળવદ તાલુકાના નવા વેગડવા ગામે શોર્ટ સર્કિટના કારણે ઉભો પાક બળી જવાની કમનસીબ ઘટના સામે આવી છે. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી પડેલા તણખલાના કારણે ઘઉંના પાકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જોતજોતામાં 20 વીઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, પાક કાપણીની તૈયારીમાં જ હતો ત્યારે અચાનક વીજ તણખલા પડતા આગ લાગી હતી. પવનની ગતિ વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના ખેડૂતોએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પળવારમાં ખેડૂતની આખા વર્ષની મહેનત રાખમાં ફેરવાઈ ગઈ હતી.
વર્ષભર પરસેવો પાડીને ઉછેરેલો પાક નજર સામે બળતો જોઈ ખેડૂતોમાં ભારે આક્રોશ અને શોક જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું કે, મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાથી તેઓ પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોએ તંત્ર પાસે નુકસાનનું તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની અને વીજ લાઈનોની યોગ્ય દેખરેખ રાખવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.



