બંને નશેડી છૂટક વેચવા અને નશો કરવા લાવતા હોવાની આપી કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
રાજકોટનાં યુવાધનને બરબાદ કરવા ચાલતા નશાના કાળા કારોબારને ડામી દેવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે માદક પદાર્થોનું વેચાણ અને સેવન કરતાં શખ્સો ઉપર ધોંસ બોલાવવાની સૂચના અન્વયે રાજકોટ એલસીબી અને બી-ડિવિઝન પોલીસે ગત સાંજે કુવાડવા રોડ જૂના જકાતનાકા પાસે દરોડો પાડી જામનગરના બે શખ્સોને 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે દબોચી લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ બી ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજા અને એલસીબી પીએસઆઈ એચ આર ઝાલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે કુવાડવા રોડ જૂન જકાતનાકા પાસે વોચ ગોઠવી જામનગરના ગુલાબનાગરના શાહરુખ બસીરભાઈ જામ અને રાહુલ દિપકભાઈ ગોસાઈ નામના બે શંકાસ્પદ શખસોને અટકાવી બંનેની તલાશી લેતા પર્સમાંથી 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લઈ તેની પાસેથી 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન અને રૂ. 6,100ની રોકડ સહિત કુલ રૂ. 1,01,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બી-ડિવિઝન પોલીસે બંનેની સામે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પૈકી રાહુલ દિપકભાઈ ગોસાઈ વિરુદ્ધ અગાઉ કચ્છનાં સામખીયાળી પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે પ્રાથમિક પૂછતાછમાં બોમ્બેથી આ જથ્થો લાવી જામનગર જતાં હોવાનું અને છૂટક વેચતા સાથે પોતે પણ નશો કરતાં હોવાની કબૂલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.