બેઠકમાં પાણી, વીજ કનેક્શન, સફાઇ, શિક્ષણ વગેરે પ્રશ્ર્નોનો નિકાલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
મૂળી તાલુકા પંચાયત ઓફીસ ખાતે બુધવારે પ્રાંત અધિકારીની હાજરીમાં સંકલન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં અગાઉ જાણ કરવા છતા 2 અધિકારી ગેરહાજર રહેતા પ્રાંત અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. 4 દિવસમાં ખુલાસો આપવા આદેશ કરાતા ચકચાર ફેલાઇ છે.
તાલુકાનો વિકાસ સારી રીતે થઇ શકે તેમજ એકબીજાને પડતી સમસ્યા હળવી કરી પ્રજાલક્ષી કામો થઇ શકે તે માટે સંકલન બેઠકનું આયોજન કરાતું હોય છે. અને તેમાં મુખ્ય અધિકારિઓને ફરજીયાત હાજરી આપવાની હોય છે. ત્યારે આવી જ રીતે મૂળી તાલુકા પંચાયત ઓફીસ ખાતે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની હાજરીમાં બુધવારે મૂળી તાલુકા પંચાયત ઓફીસ ખાતે બપોરે 12 વાગ્યે સંકલનની બેઠકનું આયોજન કરાયું હતું.
તમામ લાગતા વળગતા અધિકારીને અગાઉ લેખિત જાણ કરી હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં ડેપ્યુટી એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને નાની સિંચાઇનાં નાયબ કાર્યપાલક ઇજનેર અધિકારીઓ કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર ગેરહાજર રહેતા અધિક કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. અને 4 દિવસમાં ખુલાસો આપવા આદેશ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
જ્યારે ખાણખનીજને લગતા પ્રશ્નો, ખેડૂત રજિસ્ટ્રેશન કામગીરી બાબતે પેમેન્ટનાં પ્રશ્ન, પાણી, વીજકનેક્શન, સફાઇ, આરોગ્ય,શિક્ષણ વગેરે પ્રશ્નો બાબતે સબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. મામલતદાર આર.ડી. પટેલ, ટીડીઓ જે.કે. બલદાણીયા,પીઆઇ પી.બી. લક્કડ, બ્રિજરાજસિંહ વાઘેલા, ઇન્દુભા પરમાર સહિતના હાજર રહ્યા હતા.