કેજરીવાલની સરકારના મંત્રી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો સકંજો
ખાસ-ખબર સંવાદદાતા
મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યૈન્દ્ર જૈનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે જૈન અને તેના એક સંબંધીના ઘરે ત્યાં દરોડા પાડ્યા હતા. ઇડીના દરોડામાં જૈનના સંબંધીના ઘરેથી 2.85 કરોડની રોકડ, સોનાના 133 સિક્કા, બે ડઝનથી વધુ સોનાના બિસ્કીટ, અનેક દસ્તાવેજો અને લેણદેણ સંબંધિત ડિજીટલ રેકોર્ડ મળી આવ્યા છે. ઇડીના અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક હવાલા ઓપરેટર્સની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મની લોન્ડરિંગ માટે રામપ્રકાશ જ્વેલર્સના ડાયરેક્ટર સિદ્વાર્થ જૈન, અંકુશ જૈન, વૈભવ જૈન અને નવીન જૈન, જીએસ મથારુએ મદદ કરી હતી. લાલ શેર સિંહ જીવન વિજ્ઞાન ટ્રસ્ટના એક સભ્ય દ્વારા જૈનની કંપનીથી પરિવારના સભ્યોને જમીન ટ્રાન્સફર કરવા માટે કેટલીક એન્ટ્રી કરી હતી, જેથી કરીને જમીન જપ્ત કરવાની પ્રક્રિયા નિષ્ફળ નિવડી શકે. તેના પુરાવાઓ મેળવવા માટે દરોડા પડાયા હતા.
- Advertisement -
જૈનનાં ઘરેથી માત્ર રૂ. 2.72 લાખ મળ્યા: આપ
દરોડા અને જપ્તી બાદ આપ પાર્ટી અને ભાજપ સામસામે આવી ગઇ છે. ભાજપે કહ્યું કે, જૈનનો ભ્રષ્ટાચાર માત્ર એક ઝલક છે. અસલી ચહેરો તો કોઇ બીજુ જ છે. બીજીતરફ, આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, સત્યૈન્દ્ર જૈનના ઘરેથી કંઇજ મળ્યું નથી. તેઓને બળજબરીપૂર્વક ફસાવવા માટે કોઇને તેમના સંબંધી બતાવવામાં આવી રહ્યાં છે. સત્યૈન્દ્ર જૈનના ઘરેથી માત્ર 2.79 લાખ રૂપિયા મળ્યા છે.