ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી છે. કમ્બોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને એટલે કે, સતત પીછો કરવામાં આવતો હતો. ગાંધીનગરની વૃદ્ધાને ‘તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવામાં આવશે.’ કહી પોલીસ અને વકીલ તરીકે ખોટી ઓળખ આપી ધમકી અપાઈ હતી. વૃદ્ધ મહિલા તબીબ એ હદે કમ્બોડિયાની આ ચીટર ગેંગની વાતોથી હદે ડરી ગઈ કે, પોતાની પાસેથી રોકડ આપ્યા પછી દાગીના વેચ્યા, એફ.ડી. તોડી, શેર વેચી અને લોન લઈને પણ આ ટોળકીના કુલ 35 બેન્ક ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી એક કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી તેની ધરપકડ કરી છે. રત્ન કલાકાર લાલજીએ પાચ ટકા કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરિતોને તેનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું. જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. ગુજરાતમાં 19 કરોડની રકમ પડાવાયાનો સૌથી મોટો અને લાંબો સમય ડિજિટલ એરેસ્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો છે.
સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ, ગાંધીનગરના એક વૃદ્ધ ગાયનેકોલોજીસ્ટને ગત 15 માર્ચથી 16 જુલાઈ દરમિયાન કમ્બોડિયાની ઈ-ચીટર ટોળકીએ ફોન ઉપર ધમકીઓ આપી ડિજિટલ એરેસ્ટની મનોસ્થિતિમાં મૂકી દઈને 18.24 પડાવ્યાની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણીની ફરિયાદ સ્ટેટ સીઆઈડી ક્રાઈમની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે. ગાંધીનગરમાં હોસ્પિટલ ધરાવતા મહિલા તબીબની બન્ને પુત્રી વિદેશમાં સ્થાયી થયાં હોવાથી એકલા રહે છે. ગત માર્ચ મહિનામાં વોટ્સ-એપ કોલ કરી જ્યોતિ વિશ્ર્વનાથ નામના ચીટરે ‘તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામાં આવે છે અને તમે જે પોસ્ટ કરો છો તે વાંધાજનક છે. તમારો મોબાઈલ ફોન અપમાનજનક મેસેજ કરતાં હોવાથી બંધ કરાશે, તમે મની લોન્ડરિંગમાં સામેલ છો’ તેમ કહીને ડરાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વોટ્સ-એપ કોલ ઉપર ઙજઈં મોહનસિંહ, પબ્લિક પ્રોસિક્યુટર દિપક સૈની, પબ્લિક પ્રોસિક્યુટર વેક્ટેશ્ર્વર અને નોટરી ઓફિસર પવનકુમાર તરીકે બનાવટી ઓળખ આપવામાં આવી હતી. તમારી સામે ફરિયાદ થશે તેમ કહી આધાર કાર્ડ મેળવ્યા પછી મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાની ધમકી આપી ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) અને મની લોન્ડરિંગના ગુના નોંધવાનો ખોટો લેટર બનાવી મોકલ્યો હતો. ‘કોઈને વાત કરશો નહીં, તમારા ઉપર અમારા માણસોની સિવિલ ડ્રેસમાં સતત નજર છે’ તેવી ધમકી પણ સતત આપવામાં આવી હતી.
મની લૉન્ડરિંગ કેસની આપી ધમકી
મહિલા ડોક્ટરને મની લોન્ડરિંગ અને ફેમાના ગુનામાંથી બહાર નીકળવું હોય તો તમામ મિલકતની માહિતી આપવા જણાવ્યું હતું. આ રીતે મિલકતની માહિતી મેળવી લીધા બાદ તેમની એફ.ડી તોડાવી, ઘરમાં રહેલું સોનું વેચાવડાવી, લોકરના સોના ઉપર લોન લેવડાવી અલગ બનાવટી લેટરો ઉપર બેન્ક ખાતાની વિગતો વોટ્સએપ ખાતે મોકલી કુલ 35 બેન્ક ખાતાઓમાં અલગ-અલગ સમયે મળીને કુલ 19 કરોડ, 24 લાખ, 41541 રૂપિયા ભરવામાં આવ્યા હતા. તમામ નાણાંકીય તપાસ પૂરી થતા જ આ પૈસા પરત મળી જશે તેવો વિશ્ર્વાસ અપાવીને બનાવટી રસિદો પણ મોકલવામાં આવી હતી. ત્રણ-ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં રહીને 19.24 કરોડ રૂપિયા ગુમાવી ચુકેલી મિહલાએ આખરે એક સંબંધીને વાત કરી હતી. આ સંબંધીએ આ પ્રકારે ડિજિટલ અરેસ્ટ કરી ફ્રોડ કરવામાં આવતું હોવાનું જણાવતાં આખરે સ્ટેટ સીઆઈડી ક્રાઇમના સાયબર સેલમાં 16 જુલાઈએ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.