ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
કર્ણાટકની એક મહિલા, જે ફરવા નીકળી હતી અને પોરબંદરમાં આવી ભૂલી ગઈ હતી, તેને 181 અભયમ ટીમ દ્વારા સમયસર મદદ મળી છે. એક જાગૃત નાગરિકે 181 અભયમનો સંપર્ક કરીને જાણ કરી કે પોરબંદરમાં એક અજાણી મહિલા ફરતી નજરે પડી છે, જે અન્ય રાજ્યની ભાષા બોલે છે. આ જાણકારી મળતા જ અભયમ 181ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. મહિલાનું કાઉન્સિલિંગ કરીને તેને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. પોલીસ અને અભયમ ટીમે મળીને મહિલાનું ઊંડાણપૂર્વક કાઉન્સિલિંગ કર્યું, જ્યાં તેની બેગમાંથી તેના સંબંધીનો સંપર્ક નંબર મળ્યો.
- Advertisement -
આ અંગે સંપર્ક કરતા જાણવા મળ્યું કે, આ મહિલા કર્ણાટકની રહેવાસી છે અને તે પોતાના ઘરે પાછા જવા માટે કોઈ સગવડતા ન હોવાથી ભટકતી હતી. હાલ આ મહિલાને પોરબંદરના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવ્યો છે, જ્યાં તેની દેખરેખ અને કાળજી લેવામાં આવી રહી છે. તેના પરિવારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.જેથી મહિલાને સુરક્ષિત રીતે ઘરે પરત મોકલી શકાય. આ કાર્યમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.સી. કાનમીયા, પી.એસ.આઈ. જાડેજા, સી ટીમ અને 181 અભયમ ટીમના નિરૂપા બાબરીયા, કોન્સ્ટેબલ કિરણ ચાવડા, ડ્રાઈવર કિશન દાસા સહિતના સભ્યો જોડાયેલા હતા. પોરબંદર 181 અભયમ ટીમે ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરી છે.