પોરબંદરમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ
પશુઓ તણાયાં, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં, રેલવે ટ્રેક ધોવાતાં 8 ટ્રેન રદ: 26 વર્ષ બાદ શહેરમાં જળપ્રલય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે 12થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવાં દૃશ્ર્યો સામે આવ્યાં છે. પશુઓ તણાયાં છે તો વાહનો ડૂબ્યાં છે, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. થોડા વિરામ બાદ ફરી એકવાર પોરબંદરમાં વરસાદ શરૂ થયો છે. પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે, ચારોતરફ પાણી જોવા મળી રહ્યું છે. 26 વર્ષ બાદ શહેરમાં જળપ્રલય જોવા મળ્યો છે, બરડા પથકમાં પણ 10થી 12 ઇંચ વરસાદ પડતાં વાળી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. પોરબંદરના જાણીતા એમ.જી. રોડ, છાયાચોકી રોડ, સુદામાચોક સહિતના વિસ્તારોમાં ઘૂટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બરડા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતાં વાડી ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા અને વર્તુ નદી બે કાંઠે વહી હતી. શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં પણ ઓઝત અને મધુવન્તિ નદીમાં પૂર આવ્યું છે. પોરબંદર પર આભ ફાટ્યું હોય તેમ ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતાં પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયાં હતાં. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
પોરબંદર શહેરમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં…
પોરબંદર શહેરના એમ.જી. રોડ, છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં. માત્ર રાત્રિના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માગ કરી છે. પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોની હાલત કફોડી બની હતી. નરસંગ ટેકરી નજીકના અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ નહીં થતા લોકોની હાલત કફોડી બની હતી અને પાણીમાં વાહનો પણ ડૂબ્યા હતા.