પમ્પિંગ સ્ટેશન પર સોલાર રૂફ ટોપ મુકાશે જેના માટે 2.11 કરોડના ખર્ચને બહાલી અપાઈ
વાજડી-વડમાં 15 કરોડના ખર્ચે 4 કિલોમીટરનો નવો રોડ બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની આજે ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં 177મી બેઠક મળી હતી. જેમાં રૂડા વિસ્તારની મંજુર થયેલી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.77(વાજડી ગઢ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુન:રચનાની દરખાસ્તોને પરામર્શ આપવાની આગળની કાર્યવાહી કરવા મંજૂરી આપવામાં આવેલ છે જ્યારે આંતર માળખાકીય સુવિધા અંતર્ગત અગાઉ ફેઝ-1 અંતર્ગત 20 ગામોમાં શુધ્ધ પીવાનું પાણી આપવાની યોજના કાર્યરત છે, અને હાલ ફેઝ -2 હેઠળ 15 ગામોને 119 કરોડના ખર્ચે શુધ્ધ પીવાનું પાણી આપવાના કામને તથા ફેઝ-3 હેઠળ 8 ગામોને 65 કરોડના ખર્ચે શુદ્ધ પીવાનું પાણી આપવાના કામને મંજૂર કરાયા છે.
- Advertisement -
રૂડા હસ્તક આવેલા પાણી પૂરવઠા યોજનાના પમ્પીંગ સ્ટેશન અને હેડવર્કસ પર સોલાર રૂફટોપ મુકવાની પહેલ કરવામાં આવેલ છે, જે કામગીરી માટે 2.11 કરોડના ખર્ચ અને વાજડી-વડમાં અંદાજીત 4 કિ.મી.લંબાઇના ડામર રસ્તા બનાવવાની કામગીરી માટે રકમ 15.34 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવેલી છે.
ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે મહેક જૈન, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા છખઈના સીટી એન્જિનિયર કે.કે.મહેતા હાજર રહ્યા હતા.