રાજકોટ મનપા દ્વારા ખાડા અને બિસ્માર રોડ અંગે સત્તાવાર જાહેરાત
48 કિલોમીટરના રસ્તાને નુકસાન થયું, 32 કિ.મી.નો રસ્તો રિપેર કરાયો
- Advertisement -
ખાડા બૂરવા 40 ટીમ 24 કલાક 11 જેસીબી, ચાર રોડ રોલર અને 40 ટ્રેક્ટર સાથે કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અત્યાર સુધીમાં એક સાથે પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી આમ છતાં કટકે કટકે 20 ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. હજુ તો ધોધમાર વરસાદ પડ્યો નથી ત્યાં જ શહેરમાં 1723 ખાડા પડી ગયા હોવાનો સત્તાવાર જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવતાં રોડ-રસ્તા પાછળ કેટલું હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે તે વાત પૂરવાર થઈ જાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ સહિત તમામ શહેરની મહાપાલિકાના અધિકારીઓ સહિતના સાથે કરેલી બેઠકમાં વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે તે સહિતની વિગતો સાથેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. મહાપાલિકા દ્વારા આ રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે કુલ 1723 ખાડા પડ્યા છે તેમાંથી 1450 ખાડાને બૂરી દેવામાં આવ્યો છે. વરસાદને કારણે કુલ 48 કિલોમીટરના રસ્તાને નુકસાન થયું છે તેમાંથી 32 કિ.મી.નો રસ્તો રિપેર કરવામાં આવ્યો છે.
ખાડા બૂરવા માટે 40 ટીમ 24 કલાક 11 જેસીબી, ચાર રોડરોલર અને 40 ટ્રેક્ટર સાથે કાર્યરત છે. મુખ્યમંત્રી દ્વારા વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડા તાત્કાલિક બૂરવાનો આદેશ અપાતાં જ મહાપાલિકાના અધિકારીઓ રાત્રિના સમયે પણ રસ્તા પર ઉતર્યા હતા. ડીએમસી મનિષ ગુરવાની, ચેતન નંદાણી અને હર્ષદ પટેલે સેન્ટ્રલ ઝોનના ‘રૂડા’ ઓફિસ પાસેના વિસ્તાર, ઈસ્ટ ઝોનના આજી ડેમ પાસેના વિસ્તાર અને વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી, બાપા સીતારામ ચોક પાસેના વિસ્તારમાં ખાડા બૂરાવ્યા હતા.
- Advertisement -
સૌથી વધુ વેસ્ટ ઝોનમાં ખાડા પડ્યા
સૌથી વધુ ખાડા વેસ્ટ ઝોનના વોર્ડ નં.1,11 અને 12માં પડ્યા છે જેની સંખ્યા 1281 છે. જ્યારે ઈસ્ટ ઝોનના વોર્ડ નં.18માં 316 તો સેન્ટ્રલ ઝોનમાં કુલ 126 ખાડા પડ્યા છે.



