ગાંધીધામ, ભુજ અને જામનગર રેલ્વે સ્ટેશનોનો વિકાસ કરાશે
2027 સુધીમાં વાપી-અમદાવાદ સુધી બૂલેટ ટ્રેન દોડશે : રેલવે મંત્રીની જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રેલવે મુસાફરોને સલામતી અને સ્વચ્છતાની સાથે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની સુવિધા આપવા માટે સરકારે કરોડો રૂપિયાના આયોજન કર્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં અદ્યતન રેલવે સ્ટેશનનું નિર્માણ માત્ર શરૂઆત છે.
આગામી સમયમાં ગુજરાતના 17 રેલવે સ્ટેશનને વિકસાવવાનું આયોજન છે. જે પૈકી માત્ર અમદાવાદમાં મેગા રેલવે સ્ટેશન બનાવવા માટે રૂ.3800 કરોડના ખર્ચનો અંદાજ છે. જે સ્ટેશનોનું રી ડેવલપમેન્ટ કરવાની યોજના છે તેમાં સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વાપી, ભરૂચ, બિલિમોરા, આણંદ, નડિયાદ, અંકલેશ્વર, ઉધના-સુરત, ગાંધીધામ, પાલનપુર, જામનગર અને ન્યૂ ભૂજનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં અદ્યતન સ્ટેશનનું નિર્માણ થશે.
ડિજિટલ ઈન્ડિયા વીક-2022 અંતર્ગત કેન્દ્રીય રેલવે, ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઈડીઆઈઆઈ-એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ખાતે દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપવા માટે વિવિધ યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી ઉપસ્થિત આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યમીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. મંત્રીએ વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલા પાંચ સ્ટાર્ટઅપ્સનું સન્માન કર્યું હતું.