સારવારની આડઅસર
3 તારીખ પછીના ઓપરેશન અંગે કરીશું ચકાસણી: આરોગ્ય અધિકારી
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાંમાં આંખની સારવાર કરાવ્યા બાદ અચાનક જ દર્દીઓને અંધાપાની અસર થતા પીડીત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિકનિયામક દ્વારા તબીબો અને અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી ઓપરેશન નહી કરવાની સૂચના આપી હતી.
અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિક હોસ્પિટલ વિવાદમાં આવવા પામી છે. જેમાં આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થવા પામી હતી. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં ત્રણ મહિલા અને બે પુરૂષ દર્દીઓ (ઉ.વર્ષ.50) થી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિક નિયામક ડૉ. નિલમ પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં તમામ લોકોની સારવાર થઈ હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. કુલ 103 લોકોનાં ઓપરેશન થયા હતા. 3 તારીખ પછીનાં ઓપરેશન અંગે ચકાસણી કરીશું. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં ઓપરેશન નહી થાય તેમ જણાવ્યું હતુ.
અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખને અસર થઈ છે. 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી રહ્યા છે. તપાસની એક ટીમ માંડલ ગામ ખાતે રવાના કરવામાં આવી છે.