શહેરમાં સિઝનનો કુલ 46 ઇંચ વરસાદ ખાબક્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ડીપ ડિપ્રેશનને કારણે 29 તારીખ સુધી રેડ એલર્ટ અપાયું છે. 27મીએ અનરાધાર વરસાદ પડ્યા બાદ રાતથી વરસાદે વિરામ લીધો હતો. બુધવારે બપોર સુધી માત્ર છાંટા પડ્યા હતા. બપોરે 12 કલાકે વરસાદ શરૂ થયો હતો જે સાંજ સુધી અલગ અલગ ગતિએ પડ્યો પણ સાથે સાથે ભારે પવનોએ લોકોની મુશ્ર્કેલી વધારી દીધી હતી. જનજીવન થાળે પડે તે પહેલાં જ ભારે પવન અને વરસાદે ફરીથી લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કરી દીધા હતા. રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 46 ઈંચ થયો છે. ગત વર્ષે 2023માં 26 ઈંચ અને તે પહેલાંના વર્ષે 38 ઈંચ હતો. 2021માં 51 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કુલ વરસાદ 52 ઈંચથી વધુ નોંધાશે તો તે 14 વર્ષનો નવો રેકોર્ડ બનશે.બુધવારે બપોરે વરસાદ અને ભારે પવન શરૂ થયા બાદ શહેરના અલગ અલગ અન્ડરબ્રિજમાં ફરીથી પાણી ભરાયાં હતાં જેથી તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો જેથી અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મનપાના ચોપડે 160 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે જેમાં મોટાભાગના વૃક્ષો હટાવીને રસ્તો સાફ કરાયાનું મનપાએ કહ્યું છે. ભારે વરસાદને પગલે રૈયા સહિતનો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો અને લોકોને બહાર નીકળવું પણ મુશ્ર્કેલ બની ગયું હતું.
4 દિવસથી રાજકોટમાં હિલ સ્ટેશન જેવું એક જ સરખું 25 ડિગ્રી જેટલું તાપમાન!
રાજકોટ શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ કારણે સૌથી વધુ અસર તાપમાનમાં થઈ છે. ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જ રહ્યું છે. 25 તારીખથી અત્યાર સુધી 24 કલાક સતત એક જ સરખું ઠંડું વાતાવરણ રહેતા હિલ સ્ટેશન જેવું એક જ સરખું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. આવી સમતાપ આબોહવા રાજકોટમાં જૂજ સમયે જ અનુભવાય છે.
કેવડાવાડીમાં વોંકળા પાસેનું અને રામનાથપરામાં મકાન ધરાશાયી
કેવડાવાડી વિસ્તારમાંથી પસાર થતા વોંકળાના કાંઠે અનેક મકાનો બનાવાયા છે. આ પૈકી એક મકાન વહેલી સવારે કડાકા સાથે તૂટી ગયું હતું. રહેવાસીઓના જણાવ્યા અનુસાર મકાનની પાછળનો ભાગ વોંકળા કાંઠે હતો અને બિલ્ડિંગ પડતા પહેલાં ધ્રુજારીનો અવાજ આવતાં જ આસપાસના લોકો બહાર નીકળી ગયા હતા. જ્યારે રામનાથપરામાં પણ એક મકાન ધરાશાયી થયું હતું.