પાથરણાવાળાઓના ત્રાસથી વેપારીઓ ત્રસ્ત લાખાજીરાજ રોડના વેપારીઓએ બંધ પાળી વિરોધ પ્રદર્શન કર્યું
લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોકના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની 100 વર્ષ જૂની લાખાજી રાજ માર્કેટ આજે બપોર સુધી બંધ રાખી 1500 જેટલા વેપારીઓએ પોતાના વિરોધ નોંધાવ્યો છે. પાથરણા વાળાઓના દબાણના કારણે છેલ્લા પાંચ વર્ષથી વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે સાંગણવા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ વેપારીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો આ પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવે તો એક અઠવાડિયા સુધી માર્કેટ બંધ રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટના લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે, અહીં લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં 1500 જેટલા વેપારીઓ આવેલા છે. જોકે અહીં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી પાથરાણા વાળાઓના દબાણના કારણે વેપારીઓ વેપાર કરી શકતા નથી.
આ બાબતે અગાઉ અનેક વખત મહાનગરપાલિકા અને પોલીસમાં રજૂઆત કરવી હોવા છતાં પણ આ પ્રશ્ર્ન દૂર થતો નથી. તેમણે જણાવ્યું કે, અહીં કરિયાણાથી લઈને કાપડ, કપડા અને શૂઝ સહિતની દુકાનમાં આવેલી છે. લોકોને ઘર વપરાશની કોઈપણ ચીજ વસ્તુઓ જોઈતી હોય તો તે અહીંથી મળી જાય છે.
100 વર્ષ જૂની આ ઐતિહાસિક માર્કેટ છે, જોકે અહીં છેલ્લા ઘણા સમયથી પાથરણાવાળાઓના દબાણના કારણે વેપાર થઈ શકતો નથી. રવિવારે તો એવી પરિસ્થિતિ હોય છે કે વેપારીને પોતાની દુકાનમાં અંદર જવું હોય તો પણ જઈ શકતા નથી. જેથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે એવી અમારી માંગણી છે.



