ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદની ઈસ્કોન બ્રિજ અક્સ્માતની દૂર્ઘટનાં બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે આ ટ્રાફીક ડ્રાઈવના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ ચાલુ કરી છે જેમાં મોરબીમાં એક સપ્તાહમાં 1501 વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે 144 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસની યાદીમાં જણાવ્યા મુજબ તા. 22 જુલાઈથી તા. 31 ઓગસ્ટ સુધી યોજવામાં આવેલ રોડ સેફટી ડ્રાઈવમાં 1501 વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ સાથે જ 144 વાહનો ડિટેઇન કરી રોન્ગ સાઈડમાં વાહન ચલાવનાર તેમજ ઓવરસ્પીડે વાહન ચલાવનારા 95 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી નશાની હાલતમાં વાહન ચલાવતા 23 શખ્સોને ઝડપી પાડીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઈન્ટરસેપ્ટર વાહન દ્વારા 11 વાહન વિરુદ્ધ ઈ-ચલણ ફટકારીને ધૂમ સ્ટાઇલ રેસિંગ કરતા આઠ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ અડચણરૂપ વાહન પાર્ક કરનારા 26 વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.