ચોમાસાની સાથે ખાડા પડવાની અને ખાડામાં પડવાની મોસમ પણ ખીલી
ગુજરાતમાં પાંચ વર્ષમાં ખાડામાં પડવાથી 466 વ્યક્તિના મૃત્યુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચોમાસામાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રસ્તામાં મસમોટા ખાડા જરૂરથી જોવા મળે છે. ચોમાસામાં રસ્તાઓમાં ખાડા પડવા સામાન્ય થઇ ગયું છે. બે સપ્તાહ અગાઉ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે ખાડાની મોસમનો પણ પ્રારંભ થઇ ગયો છે. રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિક પાસે કમરના દુ:ખાવાના દર્દીમાં 15 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ખાડામાં પડવાથી 466 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
ખાનગી જ નહીં સિવિલ હોસ્પિટલમાં પણ કમરના દુ:ખાવા સાથે વધુ સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. મહાનગરોની સિવિલમાં ગત વર્ષે ચોમાસાના ત્રણ મહિના દરમિયાન ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં હજારો કેસ નોંધાયા હતા. ખાનગી હોસ્પિટલમાં પણ છેલ્લા એક મહિનાથી કમરના દુખાવા, સ્પોન્ડેલાઇસિસના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
આ અંગે એક તબીબે જણાવ્યું કે, ’છેલ્લા બે સપ્તાહ જે પણ દર્દીઓ આવે છે તેમાંથી મોટાભાગના કમરના દુખાવાના હોય છે. આ સિવાય ઠોકર લાગવાથી પગમાં મચકોડ, ફ્રેક્ચર દર્દીઓ પણ વધ્યા છે. આપણે ત્યાં દર વર્ષે ખાડાની આ સમસ્યા રહેતી જ હોય છે. જેના કારણે પ્રત્યેક વાહનચાલકે ખાડો આવે ત્યારે વાહનની ગતિ સાવ ધીમી કરી દેવી, લાંબા અંતરનું ડ્રાઇવ કરવાનું થતું હોય અને કમરના દુ:ખાવાની સમસ્યા રહેતી હોય તો કમરનો બેલ્ટ પહેરવો જેવી તકેદારી રાખવી જોઇએ.’
- Advertisement -

અન્ય એક ઓર્થોપેડિકના મતે ’અમારે ત્યાં હાલમાં જે કુલ ઓપીડી આવે છે તેમાં 30% બેક પેઇનને લગતી હોય છે. જોકે, રોડ પરના ખાડાને લીધે જ બેક પેઇનના દર્દીઓ વધ્યા છે તેમ કહી શકાય નહીં. વર્ક ફ્રોમ હોમને લીધે પણ બેક પેઇનની સમસ્યામાં વધારો થયો છે. 50થી વધુ વયનો પુરુષ-45થી વધુ વયની મહિલા કેલ્શિયમની સમસ્યા ધરાવતા હોય તો તેમણે ડોક્ટરોની સલાહ બાદ કેલ્શિયમની ગોળી લેવી જોઇએ.’
એનસીઆરબી દ્વારા છેલ્લે 2021માં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર રોડના ખાડાને લીધે 75 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. 2021માં ખાડાને લીધે મૃત્યુ થયા હોય તેમાં રાજસ્થાન 138 સાથે મોખરે, મહારાષ્ટ્ર 90 સાથે બીજા, ગુજરાત ત્રીજા, ઝારખંડ 67 સાથે ચોથા અને ઉત્તર પ્રદેશ 57 સાથે પાંચમાં સ્થાને છે.
ગુજરાતમાં ખાડામાં પડવાથી ક્યારે કેટલા લોકોના મૃત્યુ થયા?
વર્ષ પુરુષ મહિલા
2021 66 09
2020 78 10
2019 78 14
2018 80 09
2017 98 24
કુલ 400 66



