10 સરપંચ અને ગ્રામ પંચાયતના 51 વોર્ડના સભ્યો માટે યોજાયેલાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન
રમળેચી ગીરનાં વૃધ્ધા નંદુબેન ઝાટકીયા તથા ધાવા ગીર ગામના હરીભાઈ દલસાણીયાએ પ્રેરણારૂપ મતદાન કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
તાલાલા તાલુકાનાં દશ ગામની પંચાયતની ચૂંટણી માટે થયેલ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે.રમળેચી ગીર,જેપુર ગીર,ધાવા ગીર,મોરૂકા ગીર,વાડલા ગીર,હડમતીયા ગીર,રામપરા,સુરવા ગીર,ગાભા ગીર,ગલીયાવડ વિગેરે દશ ગામના દશ સરપંચ અને પંચાયતના કુલ 51 વોર્ડના સભ્યો માટે 10614 પુરૂષ,9901 સ્ત્રી મળી કુલ 20515 મતદારો નોંધાયા હતાં જે પૈકી 8008 પુરૂષ,6908 સ્ત્રી મળી કુલ 14916 મતદારોએ વરસતા વરસાદમાં ઉમળકાભેર 72.71 ટકા મતદાન કરી લોકશાહી પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી.
તાલાલા પંથકના અલગ અલગ ગામોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 24 મતદાન મથકો રાખવામાં આવ્યા હતા જેમાં સવારથી મતદાન માટે મતદારોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી જેમાં રમળેચી ગીર ગામના બુથ ઉપરથી 75 વર્ષના વૃધ્ધા નંદુબેન ભગવાનજીભાઈ ઝાટકીયા તથા ધાવા ગીર ગામના બુથ ઉપર લાકડીના ટેકે મતદાન કરવા આવેલ 85 વર્ષના હરીભાઈ મકનભાઈ દલસાણીયા વિગેરે સિનીયર સિટીઝનો નું મતદાન પ્રેરણારૂપ રહ્યું હતું.સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાયેલ મતદાન દરમ્યાન સવારથી શરૂ થયેલ વરસાદના ઝાપટાં વચ્ચે 14916 મતદારોએ 72.71 ટકા મતદાન કર્યુ હતું.થયેલ મતદાનની બુધવારે મતગણતરી થશે.મતદાન દરમ્યાન તાલાલા પોલીસ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી.