5979 પાસ થયા, નોકરી મળી માત્ર 598ને !
એક સમયની રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટીને NAAC દ્વારા ‘બી’ ગ્રેડ થયો છે. પરંતુ યુનિવર્સિટી ‘એ’માંથી ‘બી’ ગ્રેડ થઇ તેની પાછળના કારણો ક્યાં ક્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 વર્ષમાં 14,398 વિદ્યાર્થીના એડમિશન થયા, તેમાંથી 5979 વિદ્યાર્થીઓ ફાઈનલ વર્ષમાં પાસ થયા અને જેમાંથી માત્ર 598 વિદ્યાર્થીઓના જ પ્લેસમેન્ટ થયા છે.છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં કાયમી અને કરારી પ્રોફેસરોની અછત પ્રવર્તી રહી છે, છેલ્લે 88 પ્રોફેસરની ભરતીમાં પણ વિવાદ થતા ભરતી ટલ્લે ચઢી છે. આ ઉપરાંત રાજકીય અખાડો બનેલી યુનિવર્સિટીમાં સત્તામંડળના સભ્યો પણ વિદ્યાર્થી હિતને કેન્દ્રમાં રાખવાને બદલે રાજકારણને પ્રાધાન્ય આપે છે. યુનિવર્સિટીનું નેતૃત્વ જેમના શિરે છે તેવા કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, શારીરિક શિક્ષણ નિયામક જેવા મહત્ત્વના હોદ્દા ઇન્ચાર્જના ભરોસે છે. 29 ભવનમાંથી બે-ત્રણને બાદ કરતા કોઈ ભવનમાં પ્લેસમેન્ટ કેમ્પ થતા નથી. નેકના સભ્યોએ પણ એસેસમેન્ટ વખતે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની સંખ્યા ભલે વધુ હોય પરંતુ પ્લેસમેન્ટ ખૂબ નબળું છે.