4 કરોડના ખર્ચે નવનિર્મિત હવેલીમાં 6 ટન વાનગીઓનો છપ્પન ભોગ મહોત્સવ યોજાયો: 10,000થી વધુ વૈષ્ણવોએ પ્રસાદ લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ભોગાવા નદીના કાંઠે આવેલી અને 140 વર્ષથી વધુ પ્રાચીન એવી મદનમોહન લાલજીની હવેલી જર્જરિત બની જતાં તેનું ₹4 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી હવેલીમાં ગુરુવારે ભવ્ય 140મો પાટોત્સવ અને છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.
સવારે છાક મનોરથના દર્શન અને સાંજે કેસરિયા મંડળી દ્વારા વધાય કીર્તન તેમજ રાસનું સુંદર આયોજન કરાયું હતું. ગુરુવારે સાંજે યોજાયેલા છપ્પન ભોગ મહોત્સવમાં 6 ટન વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ વાનગીઓ બનાવવામાં 125 ડબ્બા શુદ્ધ ઘી અને 80 ડબ્બા તેલનો ઉપયોગ કરાયો હતો. આ છપ્પન ભોગમાં મોહનથાળ, હલવો, કાજુ કતરી, ગાંઠિયા, ધારી સહિતની અનેક ફરસાણ અને મિષ્ટાનનો સમાવેશ કરાયો હતો, જેને ખાસ કરીને 8 દિવસ સુધી બગડે નહીં તે રીતે બનાવવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો લાભ લીધા બાદ 10,000થી વધુ વૈષ્ણવોએ મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. હવેલીના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ આ મહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.



