સોશિયલ મીડિયાના યુગમાં પોસ્ટકાર્ડ હજુ પણ અડીખમ
આઝાદી પહેલાના ગાળામાં પોસ્ટકાર્ડમાં ‘ગાંધી જહાં હો વહાં’ માત્ર એટલું સરનામું લખાતું તો પણ પત્ર બાપુને મળી જતો
એક સમયે પોસ્ટકાર્ડમાં શુભ સમાચાર લાલ પેનથી તો અશુભ કાળી પેનથી લખાતા
1969માં જાપાનના ટોક્યોમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસે ’વિશ્ર્વ ડાક દિવસ’ની ઉજવણીની શરૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘એક વિશ્વ-એક ડાક પ્રણાલી’ની કલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર 1874ના રોજ સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ની સ્થાપના કરવામાં આવી હતી. 1969માં જાપાનના ટોક્યોમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસે ’વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી થયું. આજના ટેકનોલોજીના યુગમાં સારા નરસા કોઈ પણ સમાચારની આપલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગણતરીની સેક્ધડોમાં જ થઈ જાય છે. આધુનિક સમયમાં પોસ્ટ કાર્ડે આજે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. જો કે હવે તેની ઉપયોગિતા બદલાઈ ગઈ છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં હવે કોઈને શુભેચ્છા સંદેશ મોકલવા માટે, વિવિધ પ્રકારના કેમ્પેઈન ચલાવવા માટે, ડિમાંડ માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધી 12 મહિનામાં 14.50 લાખ એટલે કે દર મહિને સરેરાશ 1.21 લાખ પોસ્ટ કાર્ડ વેચાયા હતા. જ્યારે આ વર્ષે એપ્રિલથી 5 ઓક્ટોબર સુધી 6 મહિનામાં જ 24 લાખ એટલે કે દર મહિને સરેરાશ 4 લાખ પોસ્ટ કાર્ડ વેચાયા છે.
ગુજરાતમાં વેચાતા કુલ પોસ્ટ કાર્ડમાંથી 40 ટકાથી વધુપોસ્ટ કાર્ડનો ઉપયોગ અમદાવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે વિવિધ સંસ્થાઓ તેમજ લોકો દ્વારા વડાપ્રધાનને મોકલવામાં આવેલા જન્મદિવસ શુભેચ્છા સંદેશને પગલે પોસ્ટકાર્ડનો ઉપયોગ વધ્યો છે. એજ રીતે સરકારી યોજનાઓની માહિતી આપવા માટે પણ પોસ્ટકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
પોસ્ટકાર્ડનો જન્મ 1879માં થયો, ત્યારે 3 પૈસા કિંમત હતી
દેશમાં પોસ્ટકાર્ડની શરૂઆત 1879માં થઈ ત્યારે તેની કિમત 3 પૈસા હતી. પોસ્ટ કાર્ડની શરૂઆતથી જ લોકોએ મોટી સંખ્યામાં તેનો ઉપયોગ કરતા આવ્યા છે. સરકાર દ્વારા સમયાંતરે પોસ્ટકાર્ડની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં પોસ્ટકાર્ડની કિંમત 15 પૈસા, 25 પૈસા અને હાલમાં 50 પૈસા છે. હાથથી લખેલ સામાન્ય પોસ્ટ કાર્ડ 50 પૈસામાં ગમે ત્યાં મોકલી શકાય છે. જ્યારે પોસ્ટ કાર્ડને પ્રિન્ટ કરવામાં આવે તો તેની કિંમત 6 રૂપિયા થઈ જાય છે. એટલે કે 50 પૈસાના પોસ્ટકાર્ડ પર વધુ 5.50 રૂપિયાની ટિકિટ લગાવવી પડે છે. પોસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પહેલાના સમયમાં અમીર કે ગરીબ તમામ લોકો પોસ્ટ કાર્ડનો જ ઉપયોગ કરતા હતા.



