91,566 લાભાર્થીઓને વિશિષ્ટ આહાર આપવામાં આવે છે
44,107 બાળકોને બાલશકિત, 30,598 કિશોરીઓને પૂર્ણાશક્તિ, 9,560 સગર્ભાઓ, 7,301 ધાત્રી માતાઓને અપાતો માતૃશક્તિ આહાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે. રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવા બાળકોનો પાયો મજબૂત કરવો જરૂરી છે. જો બાળક તંદુરસ્ત હશે તો તે ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત ડગલા માંડી શકશે. આ બાબતને ધ્યાને લઈ રાજ્ય સરકારના આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા કુપોષણ નાબુદી માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટની 1360 આંગણવાડીમાં ભૂલકાઓને શિક્ષણની સાથે કુપોષણ નાબૂદીનું અભિયાન ચલાવવામાં આવે છે,
જેમાં 44,107 બાળકોને બાલશકિત, 30,598 કિશોરીઓને પૂર્ણાશક્તિ, 9,560 સગર્ભાઓ, 7,301 ધાત્રી માતાઓને માતૃશક્તિ આહાર સહિત 91,566 લાભાર્થીઓને વિશિષ્ટ આહાર આપવામાં આવે છે.
મુખ્યમંત્રી દ્વારા બાળકોના કુપોષણ નાબુદી તેમજ સર્વાંગી વિકાસ માટે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ આપી સગર્ભાવસ્થાથી લઇ 1000 દિવસ એટલે કે બે વર્ષ સુધી માતાને પ્રોટીન અને અન્ય પોષક તત્વોયુક્ત ખોરાક રાશન સ્વરૂપે આપવામાં આવે છે. આઇ.સી.ડી.એસ.વિભાગ અંતર્ગતની આંગણવાડીઓ દ્વારા તેમના વિસ્તારમાં કુપોષણ નાબુદી સાથે જ બાળકના પાયાનું શિક્ષણ એવા પૂર્વ પ્રાથમિક શિક્ષણની સારી સવલતો આપવામાં આવી રહી છે.
- Advertisement -
રાજકોટ જિલ્લાની 1360 આંગણવાડી દ્વારા 11 તાલુકામાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ, પોષણયુક્ત ખોરાક અને ટી.એચ.આર દ્વારા જિલ્લાની કિશોરીઓને સુપોષિત કરવા હેતુ પૂર્ણા શક્તિ, બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવા બાલશક્તિ તેમજ સુપોષિત માતા માટે તેઓને માતૃશક્તિ નામક વિશિષ્ટ આહાર આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કુલ 91,566 લાભાર્થીઓને વિશિષ્ટ આહાર આપવામાં આવે છે.
જેમાં 9,560 સગર્ભાઓ અને 7,301 ધાત્રી માતાઓને માતૃશક્તિ આહાર, 44,107 બાળકોને બાલશકિત આહાર અને 30,598 કિશોરીઓને પૂર્ણાશક્તિ આહારનો લાભ મળી રહ્યો છે.જ્યારે 2195 સગર્ભાઓ અને 12,537 ધાત્રી માતાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત રાશન આપવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી અને ગોંડલના રહેવાસી દિશાબેન સાદરાણી કહે છે કે, “મારું બાળક હાલ 8 મહિનાનું છે, મને સગર્ભાવસ્થા દરમિયાનથી જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ મળ્યો છે, જે હજુ પણ 1000 દિવસ પૂર્ણ થશે ત્યાં સુધી મને મળશે. જેમાં મને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લીટર સિંગતેલ નિ:શુલ્ક આપવામાં આવે છે. આથી, મારા અને મારા બાળકના પોષણમાં ખૂબ સુધારો થયો છે. જે બદલ હું મુખ્યમંત્રીની ખૂબ-ખૂબ આભારી છું.” તો માતૃશક્તિ ટી.એચ.આર પેકેટનો લાભ લેતા ધાત્રી માતા મોનિકાબેન રૈયાણી કહે છે કે, “મારું બાળક હાલ અઢી મહિનાનું છે. મને દર મહિને ચાર પેકેટ માતૃશક્તિ આહારના મળે છે. માતૃશક્તિના પેકેટથી ડિલિવરી બાદની મારા શરીરમાં પોષણની જરૂરિયાત પૂરી થાય છે. જેનાથી મારું બાળક પણ ખૂબ તંદુરસ્ત છે. સરકારની યોજનાનો આ લાભ હું લઈ રહી છું.”