ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.11
બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનમાં તોડફોડ કરનારા બદમાશો સામે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂૂ કર્યું છે. આ ઝુંબેશ હેઠળ 1300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હકીકતમાં, બાંગ્લાદેશમાં બુધવારે બદમાશોએ ઢાકામાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુરહમાનના ધનમોન્ડી-32 નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી. આ સાથે શેખ હસીનાના ઘર ’સુધા સદન’ને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનાઓ પછી વચગાળાની સરકારને ચારે બાજુથી ટીકાનો સામનો કરવો પડ્યો. આ પછી વચગાળાની સરકારે દેશમાં અસ્થિરતા પેદા કરનારા તમામ શેતાનોને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું.
- Advertisement -
ઓપરેશન ડેવિલ હન્ટનો ઉદ્દેશ્ર્ય દેશભરમાં અશાંતિ અટકાવવા અને જાહેર સલામતી સુનિશ્ર્ચિત કરવાનો છે. બાંગ્લાદેશ સરકારના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમે કહ્યું કે જ્યાં સુધી બધા જ ગુનેગારોને ન્યાય ન મળે ત્યાં સુધી આ ચાલુ રહેશે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગે તેના કાર્યકરો અને નેતાઓને 6 ફેબ્રુઆરીએ રસ્તા પર ઉતરવાની અપીલ કરી હતી. પાર્ટીએ ભૂતપૂર્વ પીએમ હસીના વિરુદ્ધ દાખલ કરાયેલા કથિત કેસ અને લઘુમતીઓ પરના હુમલાઓના વિરોધમાં કૂચનું આહ્વાન કર્યું હતું.
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાને છ મહિના વીતી ગયા તે દિવસે આ કૂચ કાઢવાની હતી. આ દિવસે શેખ હસીના તેમના સમર્થકોને ઓનલાઈન ભાષણ આપવાના હતા. અગાઉ, ’24 રિવોલ્યુશનરી સ્ટુડન્ટ-જનતા’ નામના વિદ્યાર્થી સંગઠને આના વિરોધમાં રાત્રે 9 વાગ્યે ’બુલડોઝર માર્ચ’ કાઢવાની જાહેરાત કરી હતી. આ માટે સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે શેખ હસીનાના પિતાનું ઘર તોડી પાડવામાં આવશે, પરંતુ વિરોધીઓ 8 વાગ્યે શેખ મુજીબુર રહેમાનના ઘર ધનમંડી-32 પર પહોંચ્યા અને તોડફોડ શરૂ કરી દીધી.