સગીર ઈશાન ઠક્કર યુનિ.ના ગ્રાઉન્ડમાં કારમાં અન્ય બે છોકરાઓ સાથે સ્ટંટ કરતો હતો
તાલુકા પોલીસે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈ તા.23 ની મોડી રાતે દારૂની પાર્ટી કરી કાર ચલાવતાં નસેડીએ અકસ્માત સર્જી એક મહિલાને હડફેટે લઈ કાર પલ્ટી મારી ગઈ હતી અને મોટી જાનહાની ટળી હતી. ત્યારે ગઈકાલે કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં બપોરે 1 વાગે ચાલીને જઈ રહેલા છ કોલેજિયન પર 13 વર્ષના વિદ્યાર્થીએ થાર ચડાવી દીધી હતી. એક કોલેજિયન યુવકને લગભગ 10 ફૂટ સુધી ઢસડાયો હતો. તેને માથામાં અને આંખના ભાગે ઈજા થઈ હતી. જ્યારે પાંચનો બચાવ થયો હતો. રાજકોટ તાલુકા પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરી થાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
શુક્રવારના બપોરના સમયે કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસ પર છૂટીને પાર્કિંગ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક બ્લેક કલરની થાર નંબર જીજે-03- 1267 અચાનક જ ધસી આવી હતી. દરમિયાન છ કોલેજિયન ભાગ્યા હતા જો કે, રૈયા ગામમાં રહેતો અને આત્મીય યુનિવર્સિટીમાં જ એમ.સી.એ.નો અભ્યાસ કરતો વિશાલ ગૌતમભાઈ મકવાણા નામનો યુવાન થારની અડફેટે આવી ગયો હતો. તે લગભગ દશેક ફૂટ સુધી ઢસડાયો હતો. આથી તેને માથામાં અને આંખના ભાગે ઈજા થતાં તેના મિત્રોએ તાબડતોબ હોસ્પિટલ ખસેડયો હતો.આ બનાવની તપાસ ચલાવી રહેલા જમાદાર પ્રવીણભાઈ જીલરિયાએ જણાવ્યું હતું કે, ઈશાન નામનો 15 વર્ષનો વિદ્યાર્થી થાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પુછપરછ માટે તેની અટકાયત કરવામાં આવી છે. ઈશાને જણાવ્યું હતું કે, તે તેના મિત્ર પાસેથી થાર લઈ આવ્યો હતો અને યુનિવર્સિટીના કેમ્પસમાં શીખતો હતો ત્યારે આ ઘટના બની હતી.
કારનો માલિક અર્જુન હોવાનું ખુલ્યું, શીખવા માટે સગીર લઈને આવ્યો હતો
આત્મીય યુનિવર્સિટીમાં થયેલ અકસ્માતમાં પોલીસે જણાવ્યું હતું કે, થાર કારનો માલિક અર્જુન નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી બાળ આરોપી ઈશાન કાર શીખવા માટે લઈ આવ્યો હતો અને ત્યારે સ્ટંટ કરતી વેળાએ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.