પોલીસે જિલ્લામાં પ્રથમ વખત કલમ 112(2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં શ્રાવણ માસ અને સાતમ આઠમ તહેવાર પર ખુબ મોટા પ્રમાણમાં જુગાર ધામ ધમધમી રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની સૂચના અનુસાર ડિવાઇએસપી હિતેશ ધાંધલિયા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ ઝડપી પાડવા આદેશ કરતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફને મળેલી હકીકતના આધારે જૂનાગઢ કાળવાચોક પાસે આવેલ પ્લેટિનિયમ હોટલમાં મસ મોટા પાયે જુગાર અખડા પર રેઇડ કરી હતી જેમાં બે મહિલા સહીત 13 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી રૂ.6.17 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી છે.
- Advertisement -
સાતમ આઠમ તહેવાર સમયે દૂર દૂર સુધી પિતાપ્રેમીઓ જુગાર ખેલવા જાય છે ત્યારે જૂનાગઢ કળવાચોક નજીક આવેલ પ્લેટિનિયમ હોટલના રૂમ નં.120માં સૌરાષ્ટ્ર ભરમાંથી જુગાર રમવા આવેલ પિતાપ્રેમીઓ ઝડપાયા હતા પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ધંધુસર ગામના રણમલ મેરામણભાઇ દિવરાણીયા મેર વ્યક્તિના નામે હોટલમાં રૂ.4 હજારમાં રૂમ ભાડે રાખીને જુગાર અખાડો ચાલતો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચે રેઇડ દરમિયાન રણમલ દીવરાણીયા, મોહન કરશનભાઇ ચાંડેલા મેર રહે.ધંધુસર વાળા મળી આવેલ નહિ જયારે અભયસિંહ દેવુભા વાઘેલા દરબાર રહે. રાજકોટ, દેવાભાઇ નાથાભાઇ હુણ, અશોક ભીખાભાઇ પટોળીયા પટેલ, લખધીરસિંહ હેમુભા ગોહિલ, સિકંદર હુશેનખાન પઠાણ, રણમલ કરશન ચાંડેલા, ભીખાભાઇ લખમણભાઇ ગીરનારા, યોગેશભાઇ નારણભાઇ મોરી, સોનલબેન ગોવિંદભાઇ ખાખરીયા, ગીતાબેન ચંપકલાલ વાસજાળીયા બંને રહે.જામનગર વાળા તેમજ હાજર નહિ મળી આવેલ રવિ હીરાભાઇ જગડા સહીત કુલ 13 શખ્સો સામે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઝડપાયેલ ઇસમો પાસેથી રોકડ રૂપિયા, જુગાર સાહિત્ય, મોબાઈલ મળી કુલ રૂ. 6,17,090નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ બી.ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. જયારે જુનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા કાયદાની જોગવાઇ એટલે કે ભારતીય ન્યાય સહિતાની કલમ 112(2) મુજબ આરોપીઓ દ્વારા આચરવામાં આવતા નાના સંગઠીત ગુના મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.