વોટ્સએપ ગ્રુપમાં એડ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ચુનો લગાવાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી શહેરમા ઉમા ટાઉનશીપમા રહેતા અને સિરામિક ફેકટરીમાં લેબ કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરતા યુવાનને વોટ્સએપ ગઠિયા સાથે ભેટો થયા બાદ શેરબજારમાં રોકાણના નામે 13.75 લાખનો ચુનો ચોપડી ઠગાઈ કરતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
- Advertisement -
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં સિરામિક ફેક્ટરીમા લેબ કોન્ટ્રાકટર તરીકે વ્યવસાય કરતા અને ઉમા ટાઉનશીપમાં રહેતા શૈલેષભાઇ નારણભાઇ પટેલ ઉ.40 નામના યુવાનને ગત ફેબ્રુઆરી માસમાં અજાણ્યા વોટ્સએપ ગ્રુપના ભેજાબાજ ગઠિયાઓએ એડ કરી શેર બજારમાં કમાણી માટે ટિપ્સ આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ વોટ્સએપ નંબર ઉપર શૈલેશભાઈએ કોલ કરતા સામે છેડેથી એક એપ ડાઉનલોડ કરવાનું કહેતા શૈલેશભાઈએ એપ્લિકેશન ડાઉનલોડ કરી કેવાયસી કરાવી નાણાં જમા કરાવી શેરબજારનો ધંધો શરૂ કરવા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ 13.75 લાખ જમા કરાવતા તેમના શેરબજારમાં રોકાણ થકી 25 લાખથી વધુનો નફો ઓનલાઈન દેખાડતો હતો. પરંતુ આ નાણાં વિડ્રોલ કરવા જતા નાણાં ઉપડતા ન હોય શૈલેશભાઈએ ગઠિયા ગેંગને ફોન કરતા હજુ વધુ પૈસા જમા કરાવો તો જ તમારો ક્રેડિટ સ્કોર સારો થશે અને તમે પૈસા ઉપાડી શકશો તેવો જવાબ મળતા શૈલેષભાઇને છેતરાયાનો અહેસાસ થયો હતો. શેરબજારમાં રોકાણના નામે થયેલ રૂપિયા 13.75 લાખની છેતરપિંડીની આ ઘટનામાં શૈલેશભાઈએ જુદા – જુદા મોબાઈલ નંબર અને જે જે બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા તે અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબરના ધારકો સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.