જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના મુજબ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામમાં ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર 18 પૈકી ગૌચરની જમીન પર 70 જેટલા દબાણકારોએ કરેલા દબાણો તંત્રએ તોડી પાડ્યા છે અને રૂપિયા 100 કરોડની કિંમતની આશરે 1200 વિઘા જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાવી છે.
- Advertisement -
ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે ઉપલેટા નગરપાલિકાની માલિકીની સર્વે નંબર 18 પૈકી આશરે 252 હેક્ટર ગૌચરની જમીન આવેલી છે. આ જમીન પર કુલ 70 જેટલા દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા નગરપાલિકાએ દબાણકારોને નોટિસ ફટકારીને દબાણો દૂર કરવા જણાવ્યું હતું પરંતુ આ દબાણકારોએ દબાણો ન હટાવતાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના મુજબ ધોરાજી નાયબ કલેક્ટર નાગાજણ તરખાલાની આગેવાનીમાં ડિમોલીશન હાથ ધરાયું હતું.આ કામગીરીમાં રેવન્યુ વિભાગની ટીમના ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા, ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી. આર. પટેલની આગેવાનીમાં પોલીસની ટીમ તથા ઉપલેટા ચીફ ઓફિસર નિલમ ઘેટીયા, ધોરાજી ચીફ ઓફિસર જયમલ મોઢવાડીયા અને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર દેવાભાઈ કંડોરિયા, નાયબ મામલતદાર વિરસિંહ સોલંકીની હાજરીમાં મેગા ડિમોલીશન શરૂ થયું હતું. આ કામગીરીમાં કુલ 100 થી વધુ કર્મચારીઓ તેમજ 10 જે.સી.બી. તથા 15 રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી તમામ દબાણો દૂર કરીને અંદાજે રૂ. 100 કરોડની 200 હેક્ટર (1200 વિઘા) ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી જેમાં આ જમીનનો કબ્જો ઉપલેટા નગરપાલિકા દ્વારા સંભાળી લેવામાં આવ્યો હોવાનું ધોરાજી-ઉપલેટા પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું હતું.