મોરબીનાં ઝીંઝુડામાંથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મળેલી માહિતી બાદ ATSએ રેડ પાડી 24 કીલો હેરોઈન ઝડપી પાડ્યું.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. બુધવારે, ગઇકાલે દેવ ભૂમિ દ્વારકામાંથી વધુ 24 કિલો હેરોઇન સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઝડપાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 120 કરોડ હોવાનું આંકવામાં આવી રહ્યુ છે. બુધવારે જામ કલ્યાણપુરના નાવદ્રામાંથી અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. આ મામલે લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી, ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે. 14 નવેમ્બરના રોજ ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરી હતી. જેમા ત્રણ આરોપીઓ મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, સમસુદ્દીન સૈયદ, ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા જેમા પકડાયેલ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરી હતી.



