સીલ ખોલવા માટે રજૂ 279 અરજીઓ પૈકી
218 અરજીઓ શરતો સાથે મંજુર કરતી કમિટી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશનકલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.07-06-2024ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 12 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 06 સંકુલો સીલ કરવામાં આવ્યા છે.
દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો પૈકી 279 જેટલી અરજીઓ રજૂ થયેલ હતી. જે પૈકી 218 અરજીઓ મંજુર કરવા મનપા દ્વારા રચવામાં આવેલ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જોકે તેમાં શરતો મુકવામાં આવી છે જેમ કે, જે એકમો સીલ થયા છે તેમાં અનધિકૃત દબાણ કે માર્જિનમાં કરાયેલ દબાણ દૂર કરવા માટે, અને/અથવા ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા/રીપેર કરવા, અને/અથવા છત ઉપરથી ડોમ દૂર કરવા/બેઝમેન્ટમાંથી દબાણ દૂર કરવા માટે જ ઉપરોક્ત સીલ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે.