ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત લઇ સમીક્ષા કરી
બોટાદ, ભાવનગર અને રાજકોટમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ અને જળાશયોની માહિતી મેળવી
રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ’ફ્લડ કંટ્રોલ સેલ’ની આજે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ રૂબરૂ મુલાકાત કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે તેનો સંબંધિત અધિકારીઓને મોકલવાની સાથે સાથે જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રને પ્રાપ્ત થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓ આગોતરી જાણ સ્થાનિક સ્તરે કરી શકે અને જાન-માલહાનિ ટાળી શકાય.
- Advertisement -
ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે તા. 01 જૂનથી થી 01 ઓક્ટોબર દરમિયાન ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવે છે. જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી -વિગતો માટે રાજ્ય સરકાર દ્વારા 12 હોટલાઇન તેમજ 14 સેટેલાઈટ ફોન 24*7 કાર્યરત કરાવવામાં આવ્યા છે.
જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇએ આ મુલાકાત દરમિયાન બોટાદ, ભાવનગર અને રાજકોટમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ-જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી. મંત્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.