શરદી-ઉધરસનાં 1227, તાવના 1028 સહિત વિવિધ રોગના 2456 કેસ મનપાનાં ચોપડે નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સવારે અને રાત્રે શિયાળાની ઠંડી પડવાની શરૂઆત થઇ છે. જોકે, બપોરનાં સમયે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મિશ્રઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ મનપાનાં અથાગ પ્રયાસો છતાં સંપૂર્ણપણે કાબુમાં આવી રહ્યા નથી. શહેરમાં છેલ્લા બે માસથી ડેંગ્યુનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ચાલુ સપ્તાહે વધુ 11 ડેંગ્યુનાં કેસો સામે આવ્યા છે. ઉપરાંત શરદી-ઉધરસનાં 1227 અને સામાન્ય તાવના 1028 સહિત વિવિધ રોગના મળી કુલ 2456 કેસ મનપાનાં ચોપડે નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. શહેરમાં ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2,082 કેસ સામે ચાલુ સપ્તાહે 2,456 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં સૌથી વધુ 1227 કેસ, ઝાડા-ઉલટીનાં 186, સામાન્ય તાવનાં 1028 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 11 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મેલેરિયા તાવનાં 2 અને ચિકનગુનિયાનો 1 કેસ પણ સામે આવ્યો છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડોકટર જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, હાલ મિશ્રઋતુને લઈ ખાસ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. જોકે, ધારણા કરતા ઓછો વધારો છે. છતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. જેમાં લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે.
ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લેવાની અપીલ પણ તેઓએ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો અન્ય તેની સાથે અન્ય લોકો માસ્કનો ઉપયોગ કરે તે જરૂરી છે. જોકે, રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 18 નવેમ્બરથી તા. 24 નવેમ્બર વચ્ચે 71,760 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તો 6,432 ઘરોમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.



