વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે ઉઊઘ કચેરી દ્વારા અનોખો નિર્ણય
બોર્ડની પરીક્ષાની જેમ જ રિસિપ્ટ જનરેટ થશે, નિરીક્ષકો ચેકિંગ કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ-10ની બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાનો ડર દૂર કરવા માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી (ઉઊઘ) કચેરીએ એકમહત્ત્વાકાંક્ષી અને અસરકારક પરીક્ષાનું આયોજન કર્યું છે. જાન્યુઆરી માસમાં જિલ્લાના કુલ 47 હજાર વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાની પ્રતિકૃતિરૂપ પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવશે.
આ પ્રિ-બોર્ડ એક્ઝામ માત્ર એક શાળા કક્ષાની કસોટી નહીં, પરંતુ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષાની જેમ જ સંપૂર્ણ વ્યવસ્થાપન અને સખ્તાઈ સાથે યોજાશે. જિલ્લા શિક્ષણતંત્રનું માનવું છે કે, આ ‘ફાઇનલ રિહર્સલ’ વિદ્યાર્થીઓને માનસિક અને શૈક્ષણિક રીતે મુખ્ય પરીક્ષા માટે તૈયાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
રાજકોટ જિલ્લાના અંદાજિત 47 હજાર વિદ્યાર્થી આ મહત્ત્વપૂર્ણ રિહર્સલમાં ભાગ લેશે. આમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે જાન્યુઆરીમાં યોજાનાર આ પ્રિ-બોર્ડ એક્ઝામ રાજકોટ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ભવિષ્યના નિર્માણમાં એક મજબૂત આધારસ્તંભ સાબિત થશે. રાજકોટ જિલ્લામાં ધોરણ-10માં સૌથી વધુ 1583 બ્લોક અને 180 બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લા શિક્ષણતંત્ર પ્રિ-બોર્ડ પરિક્ષાની તૈયારીમાં લાગ્યું છે.
જિલ્લા શિક્ષણતંત્ર અને વિદ્યાર્થી બંને માટે ઉપયોગી
- Advertisement -
વિદ્યાર્થીઓ માટે મહત્વનું એ છે કે પરીક્ષાનો ડર દૂર થશે. સમયસર પેપર પૂર્ણ કરવાની પ્રક્ટિસ થશે. ઉતરવહીમાં યોગ્ય રજૂઆત કરવાનું કૌશલ્ય વિકસશે અને તેમના નબળા વિષયોને ઓળખી સુધારો થશે. આ એકેડેમિક પ્રેક્ટિસ તેમને મુખ્ય પરિક્ષામાં વધુ સારો દેખાવ કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માટે આ આયોજન વહીવટી રિહર્સલ સમાન છે. તેનાથી પરીક્ષા કેન્દ્રો પરની લોજિસ્ટિક્સ, સ્ટાફની ફાળવણી અને પરીક્ષા સંચાલનની પ્રક્રિયાની પૂર્વ તૈયારી ચકાસી શકાશે. જો કોઇ વ્યવસ્થાકીય ખામી હોય તો તેને મુખ્ય પરીક્ષા પહેલાં સુધારી શકાશે.



