પોલિંગ સ્ટાફના 934 કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની તાલીમ અને ત્યાર બાદ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તાલીમ અને મતદાનમાં પ્રથમ દિવસે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા 1097 સ્ટાફની તાલીમ યોજાઈ હતી. અને ત્યારબાદ 934 પોલીંગ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ કર્યું હતું.
આ તાલીમના પ્રથમ સેશનમાં સવારે 514 પ્રિસાઇડિંગ ઓફિસર અને બપોરના સેશનમાં 583 પોલીંગ ઓફિસરોએ માસ્ટર ટ્રેનર્સ પાસેથી મેન્યુલી અને પીપીટીના માધ્યમથી તાલીમ મેળવી હતી.આ તાલીમમાં ડિસ્પેચિંગ થી લઈને મતદાન થાય ત્યાં સુધીની પ્રક્રિયા, પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર 1,2 અને 3 ને કરવાની થતી કામગીરી, ચાલુ મતદાન વખતે રાખવાની થતી ધ્યાન રાખવા જેવી બાબતો જેવી કે ટેન્ડરવોટ, તકરારી મત, ટેસ્ટ વોટ અને કોઈ મતદાર મતદાનની ના પાડે એ અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. તેમજ ક્યુઆર કોડના માધ્યમથી સ્ટાફની ચૂંટણીલક્ષી બાબતો અંગે ટેસ્ટ પણ લેવામાં આવી હતી. આ ઉપરાંત ઇવીએમનું નિદર્શન આઈટીઆઈ માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોજાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની આ બીજી તાલીમ પૂર્ણ થઈ છે. હવે પછીની અંતિમ તાલીમ વિધાનસભામાં ફરજ નિભાવવાની હશે ત્યાં આગામી દિવસોમાં યોજાનાર છે.તાલીમ પૂર્ણ થયા બાદ 934 પોલિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.