મોરબીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથ હેઠળ સંગઠિત બનેલી બહેનોની આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કેશ ક્રેડીટ આપવામાં આવે છે જે અન્વયે મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 50 સખી મંડળોને 67.10 લાખની સી.સી. લોન, 21 સખી મંડળોને 6.30 લાખ રૂપિયાના ચેક રિવોલ્વીંગ ફંડ તરીકે તથા 22 સખી મંડળોને સી.સી.આઈ.એફ. તરીકે 29.50 લાખ રૂપિયાના ચેક એમ કુલ 93 સખી મંડળોને કુલ 102.90 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
- Advertisement -
સખી મંડળોને મહિલાઓની ઉન્નતિ અને આર્થિક ઉપાર્જન માટેના અગત્યના અભિગમ ગણાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વાભિમાનભેર આગળ વધે અને સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરે તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વધુને વધુ બહેનો સખી મંડળોમાં જોડાય તો સરકારના આ ઉમદા કાર્યને વેગ મળશે.
વિશેષમાં તેમણે સખી મંડળોના તમામ પ્રશ્નો અને સમસ્યાઓ નિવારવા તત્પરતા દાખવી હતી. આ તકે સખી મંડળો સાથે ચર્ચા-વિચારણા કરી વિચારોની આપ-લે કરી હતી. સખી મંડળો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી, અગ્રણીઓ જીજ્ઞેશ કૈલા, મંજુલાબેન ચૌહાણ, લીડ બેંકના મેનેજર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.