ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીનાં અધિકારીઓ અને ગિરનાર રોપ-વેના સ્ટાફનાં સહયોગથી ગિરનાર ઉપર અંબાજી મંદિરનાં પાછળનાં ભાગે પ્રકૃતિ માટે ઝેર સમાન જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. નેચર ફર્સ્ટના યુવાનો સાથે ઉભા બ્રેકો કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક ગિરનાર રોપ વે ના અધિકારીઓ તેમજ સ્ટાફના યુવાનો જોડાયા હતા.
ગિરનાર ઉપર અંબાજી મંદિરની પાછળના જંગલ વિસ્તારમાં 39મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. એનજીઓ તેમજ રોપ-વેના અધિકારીઓ અને સ્ટાફના 35 જેટલા યુવાનોએ આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન આશરે 1000 કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો. નેચર ફર્સ્ટના ભરત બોરીચા દ્વારા જણાવાયું હતું કે, આમ જોઈએ તો દરેક દિવસ પર્યાવરણનો દિવસ છે, અમારી સંસ્થા સતત પ્રકૃતિની ચિંતા કરતી આવી છે અને કરતી પણ આવશે પ્રકૃતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમારી સંસ્થા દરેક દિવસને પ્રકૃતિનો દિવસ માને છે, જેના ભાગરૂપે આજે ગીરનારના જંગલ વિસ્તાર માંથી અમારી સંસ્થાએ 39મું પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું હતું.
- Advertisement -
વધુમાં તેમણે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશન નો મોહ છોડી થોડો સમય ફાળવે તે આજના સમયની જરૂરિયાત છે સાથે સાથે જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો.