અભ્યાસક્રમ શરૂ કરવા મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડની મંજૂરી બાદ આ જ શૈક્ષણિક વર્ષથી પ્રવેશ પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
આજથી થોડા મહિના પહેલા જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો એક પરિપત્ર સામે આવ્યો હતો જેમાં મોરબી જિલ્લાને ફાળવેલી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવામાં આવી છે તેવી અને મોરબીમાં બ્રાઉન ફિલ્ડ કોલેજ સ્થાપવામાં આવશે તેવા વિપક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ સાથે દેખાવ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
સતત ધરણા અને વિરોધને પગલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપ આગેવાનો ગાંધીનગર સુધી દોડી ગયા હતા. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળી મોરબી જિલ્લાને સરકારી મેડીકલ કોલેજ મળે તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી બાદમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મોરબીની જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ જ ફાળવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
ભાજપના આગેવાનોના ગાંધીનગરના ધક્કા ફળ્યા હોય તેમ મોરબી જિલ્લાને જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ મળી હતી અને નેશનલ મેડીકલ કમીશન, મેડીકલ એસેસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ દ્વારા 100 એમ.બી.બી.એસ. સીટ સરકારી મેડિકલ કોલેજમાં શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે જે અનુસંધાને આ વર્ષથી જ અભ્યાસક્રમ શરૂ થઇ જશે અને વિદ્યાર્થીઓને જામનગર કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે.